2020નું વર્ષ અનેક સમસ્યાઓથી ભરેલું રહ્યું હતું. અને તેમાંની એક છે કોરોના વાયરસની મહામારી કે જેણે આખા વિશ્વમાં કહેર મચાવ્યો હતો. ત્યારે બરાબર એક વર્ષ પહેલા ભારતમાં જનતા કર્ફ્યું લાગુ થયું હતું. ગામ,શહેર રાજ્ય દરેક જગ્યાએ માત્ર સન્નાટો જ હતો. જનતા કર્ફ્યુંની અંદર સવારના 7 થી રાત્રીના 9 વાગ્યા સુધી તમામ દેશવાસીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
22 માર્ચ 2020, રવિવારના રોજ જનતા કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે તમામ દેશવાસીઓને રવિવારના રોજ જનતા કર્ફ્યું ની અપીલ કરી હતી. અને તે ત્યારથી જ કોરોનાનો ખતરો ઉજાગર થયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્રારા એક ખાસ અપીલ પણ કરવામાં આવી હતી કે જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. અને તેને દેશના કોઈ નાગરીકો ક્યારેય નહી ભૂલી શકે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુંના દિવસે સમગ્ર દેશવાસીઓ સાંજે 5 વાગ્યાના સમયે પોતાના ઘરમાં જ ફળીયામાં કે અગાસી પર રહીને તાળી પડવાની અને થાળી વગાડવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર્સને સલામી કરવી જોઇએ અને તાળી-થાળી વગાડીને સલામી કરવી જોઇએ.
સામાન્ય નાગરિક હોય, રાજકારણી હોય કે બોલીવુડ સુપર સ્ટાર દેશના મોટાભાગના નાગરિકોએ પ્રધાનમંત્રીની આ અપીલનું પાલન કર્યું હતું. અને સાંજે 5 વાગ્યે થાળી અને તાળીના રણકારથી આખો દેશ ગુંજી ઉઠ્યો હતો. અને ભારતવાસીઓની આ એકતાના પડઘા આખા વિશ્વમાં પડ્યા હતા. જનતા કર્ફ્યુંના થાળી-તાળી વાગાડવાના ફોટા-વિડીઓ ઘણા સમય સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને જનતા કર્ફ્યુંના ત્રણ દિવસ બાદ એટલે કે 24માર્ચની મધ્યરાત્રીથી આખો દેશ 21 દિવસ માટે થંભી ગયો હતો.