ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર આજરોજ ચઢતા પહોરે એક મોટરકાર અને એક પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર ભાણ ખોખરી ગામના પાટીયા નજીક ફોટ ગામ તરફના માર્ગે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે જી.જે. 37 વી 0446 નંબરના એક પીકઅપ વાહન તથા એક મોટરકારનો કોઈ કારણોસર સામસામે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર ટક્કરમાં મોટરકારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા એક યુવાનને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ સારવાર કારગર તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ફ્રેકચર તેમજ દાઝી જવાના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગના કારણે વાહનોમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ બનાવની જાણ તથા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સાથે જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગની ટીમે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.


