ખંભાળિયા – દ્વારકા માર્ગ પર ગત સાંજે એક છોટા હાથી વાહન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટા હાથી વાહનમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર વડત્રા ગામ પાસે આવેલી હોટલ પાસે ટાટા કંપની મીઠાપુરમાં સિમેન્ટના પાઈપ ઉતારીને પરત આવી રહેલા જી.જે. 36 ટી. 4643 નંબરના એક ટ્રકના ચાલક લીલાભાઈ હરભમભાઈ અમર (ઉ.વ. 57, રહે. રાણાવાવ) ના ટ્રક સાથે જી.જે. 27 ટી.ટી. 7353 નંબરના એક કેરી છોટા હાથી વાહનના ચાલક જયરામ ભીખાભાઈ ભરવાડે પોતાનું વાહન પૂરઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવતા ટ્રક સાથે પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં તેની સાથે બેઠેલા દેવાભાઈ બાથાભાઈ ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પોતાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં મૂઢ ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેર લીલાભાઈ અમરની ફરિયાદ પરથી જયરામભાઈ ભીખાભાઈ ભરવાડ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હિકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ. એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.