જામનગર મહાનગરપાલિકામાં કુલ પાંચ કાર્યપાલક એન્જીનિયરની જગ્યા રહેલી છે. જેમાં એકમાત્ર જગ્યા ઉપર કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર જગ્યાઓ ઘણાં સમયથી ખાલી છે અને આ જગ્યાઓ ઉપર નિમણૂંક કરવામાં આવતી નથી. કાર્યપાલક એન્જીનિયરની નિમણૂંક સંદર્ભે કોંગે્રસ દ્વારા વધુ એક વખત ધરણાં કરવામાં આવ્યાં હતાં.
મળતી વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકામાં કુલ પાંચ કાર્યપાલક એન્જીનિયરની જગ્યાઓ રહેલી છે. આ જગ્યાઓ પૈકીની એકમાત્ર જગ્યામાં નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહેલી છે અને આ જગ્યાઓ ઉપર અધિકારીઓને વધારાના ચાર્જ સોંપી કામનું ભારણ વધારવામાં આવે છે.
મહાનગરપાલિકાની મહત્વની કહી શકાય એવી ખાલી જગ્યાઓ ઉપર કાયદેસર નિમણૂંક કરવામાં આવતી નથી. આ મામલે વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા છેલ્લાં ઘણાં સમયથી જનરલ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમ છતાં આ મામલે યોગ્ય ઉકેલ ન આવતા અઠવાડિયામાં એક વખત ધરણાં કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે સવારે 11 થી સાંજના 5 સુધી મ્યુ. કમિશનર વિજય ખરાડીની ચેમ્બરની બહાર પ્રતિક ધરણાં કરવામાં આવ્યાં છે અને જ્યાં સુધી આ જગ્યાઓ ઉપર કાયદેસરની નિમણુંક કરવામાં નહીં આવે ત્યાં સુધી અઠવાડિયે એક વખત આખો દિવસ કમિશનરી ચેમ્બરની બહાર ધરણાં કરવાની ચિમકી આપવામાં આવી છે.