ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા તંત્ર ઉમેદવાર પર કોપી કેસ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈ સવાલો ઉઠ્યા છે. કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જ જવાબ છે કે નહીં તે અંગે હજી સુધી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, જે કાપલી ઝડપાઈ છે તે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ચૂકી છે.
રાજ્યમાં આજે વનરક્ષકની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે, મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ જ એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા ખળભળાટ મચ્યો છે.
હેસાણા જિલ્લાના ઉનાવા સેન્ટર પર આજે બપોરે 12 થઈ 2 વાગ્યા દરમિયાન મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં પરીક્ષા યોજાઈ રહી હતી. આ સમયે એક ઉમેદવાર પાણી પીવા ગયા બાદ પેપર લખી રહ્યો હતો. પરંતુ, તેની વર્તુણક શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવતા તેના પાસેથી શ્રી નાગરિક મંડળ, ઉનાવા નામનું એક લેટર પેડ મળી આવ્યું હતું. જેમાં જવાબો લખેલા મળતા તેની સામે કોપી કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.