દેશમાં આર્થિક પ્રવૃતિમાં વેગ આવ્યો હોવાથી ઓક્ટોબર 2020 પછી સળંગ પાંચ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલાત રૂ. એક લાખ કરોડને પાર રહી હોવાનું રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક જવાબમાં જણાવ્યું હતું. કોરોના મહામારીને લીધે ઠપ થયેલા અર્થતંત્રને વેગવંતુ કરવા માટે સરકારે લીધેલા પગલાંને પરિણામે આ શક્ય બન્યું હોવાનું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
જીએસટી વસૂલાત વધી છે. ઈ-વે બિલના ડેટા પર નજર કરીએ તોગતિવિધિ પણ વધી છે તેમ ઠાકુરે જણાવ્યું હતું. ઓક્ટોબર 2020 થી સળંગ પાંચ મહિના સુધી જીએસટી વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી છે. અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનાએ આ ગાળામાં જીએસટી કલેક્શન ઊંચું રહ્યું છે. અર્થતંત્રમાં ત્રીજા ત્રિમાસમાં ‘વી’ શેપ રિકવરી જોવા મળી હતી. જીડીપી આંકડા પણ સકારાત્મક રહ્યા હતા અને વેપાર ક્ષેત્રે સુધારો જોવા મળ્યો હતો.
કોવિડ 19ના ગાળામાં જૂન ત્રિમાસમાં ભારતનો જીડીપી માઈનસ 24.4 ટકા થઈ ગયો હતો. સતત બે ત્રિમાસમાં ભારતીય અર્થતંત્ર મંદીમાં સરકી ગયું હતું. ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં જીડીપી સાધારણ વધીને 0.4 ટકા રહ્યો હતો. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત કાર્યક્રમ, લોન મોરેટોરિયમ સહિતના પગલાંથી આર્થિક ગતિવિધિને વેગ આપવાનો સરકારે પ્રયાસ કર્યો હતો. એપ્રિલ મેમાં ઈ વે બિલમાં નોંધાયેલા ઘટાડા છતાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઈ-વે બિલની સંખ્યા અગાઉના વર્ષની સમકક્ષ રહી હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. પ્રતિ માસ જીએસટી વસૂલાતના ડેટા તેમજ ઈ-વે બિલના આંકડા અર્થતંત્રમાં સુધારાની સચોટ નિશાની હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.