- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર કે મુશળધાર વરસાદ ન વરસતા આ વિસ્તારમાં ચિંતાનો માહોલ પણ અનુભવાઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી બફારા બાદ ગઈકાલે બપોરે મેઘાવી માહોલ છવાયો હતો અને આશરે અઢી વાગ્યે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે સતત વીસેક મિનિટ સુધી વરસતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આ પછી સાંજે પણ હળવા ઝાપટા વરસતા ગઈકાલે કુલ એક ઈંચ (23 મી.મી.) વરસાદ વરસી ગયો હતો.
ગઈકાલે વરસાદ સાથે જુદા જુદા ભયાવહ વીજળી વિસ્તારોમાં ત્રાટકી હતી. ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે આકાશી વીજળી ત્રાટકતાં ત્રણ ભેંસના મોત નિપજ્યા હતા. જ્યારે વિરમદળ ગામના ગોગનભાઈ નામના એક આસામીની ભેંસ પર વીજળી પડતા આ ભેંસનું પણ મૃત્યુ નીપજયું હતું. ખંભાળિયાની શ્રીજી સોસાયટી – 2 ખાતે આવેલા એક મકાન પર પણ વીજળી ત્રાટકતા આ મકાનમાં નુકસાની થવા પામી હતી.
ધીમા વરસાદ છતાં પણ વીજળીના કહેરથી લોકો ભયભીત બની ગયા હતા. ગઈકાલે હળવા વરસાદ વચ્ચે પણ રાબેતા મુજબ અવારનવાર લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોમાં વીજતંત્ર સામે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. વરસાદના પગલે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી.
જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા
ગઈકાલે રવિવારે ભાણવડ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં નવ મી.મી. અને દ્વારકા તાલુકામાં છ મિલીમીટર વરસાદ વરસ્યાનું નોંધાયું છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ખંભાળિયા સહિત જિલ્લામાં જુદા જુદા ગામમાં આજે સવારથી વરસાદી વાતાવરણ બરકરાર રહ્યું છે. ગઈકાલે અનેક ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાથી વાવણી કરી ચૂકેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
જિલ્લામાં કુલ વરસાદના આંકડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી ખંભાળિયા તાલુકામાં 90 મીલીમીટર, ભાણવડ તાલુકામાં 32 મીલીમીટર, દ્વારકા તાલુકામાં 6 મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં 4 મીલીમીટર વરસાદ વરસી ચુક્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સરેરાશ 4.29 ટકા વરસાદ વરસી ગયો છે.
- Advertisement -