કાલાવડ તાલુકાના મોટી માટલીથી જામનગર તરફના માર્ગ પરના રસ્તેથી પસાર થતા બાઈકસવાર યુવાનને પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ નાશી જનાર વાહનચાલકની પોલીસે શોધખોળ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના જામ્બવા જિલ્લાના ઉમરકોટ તાલુકાના કલુખોદરી ગામના વતની કમલેશભાઇ નનકાભાઈ ડોડિયાર(ઉ.વ.45) નામના ખેતમજૂર ગત તા.18 ના રોજ સાંજના સમયે તેના ખેતર માલિક અશ્ર્વિનભાઈના જીજે-10-ડીબી-5282 નંબરના બાઇક પર વાડીએથી ઘરનો સામાનો લેવા મોટી માટલી ગામે ગયા હતાં. તે દરમિયાન રાધે હોટલ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકની પત્ની ભગુડીબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.