લાલપુર તાલુકાના આરીખાણા ગામના પાટીયા પાસે સાંજના સમયે રોડની સાઈડમાં બંધ પડેલા ટ્રક પાછળ બાઈકસવારે કાબુ ગુમાવતા ઘુસી જતાં અકસ્માતમાં ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા યોગેશ્ર્વર સોસાયટીમાં રહેતો અભિનવભાઈ મિશ્રા અને ધર્મેશ વેકરીયા નામના બે યુવાનો ગુરૂવારે સાંજના સમયે તેની જીજે-10-બીએલ-7580 નંબરની બાઈક પર લાલપુર તાલુકાના આરીખાણા ગામના પાટીયા પાસેથી જામનગર તરફ આવતા હતાં તે દરમિયાન સાંજના સમયે બાઈકચાલકે પુરઝડપે ચલાવી રોડની સાઈડમાં બંધ પડેલા જીજે-01-જેટી-2144 નંબરના ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક અભિનવ રમેશચંદ્ર મિશ્રા (ઉ.વ.37) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેસેલા રાજકોટના ધર્મેશ વેકરીયા નામના યુવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. ધર્મેશ દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.