ધ્રોલ નજીક આવેલાં વાગુદડીયાના વોકળાના કોઝવે પરથી પસાર થતી રિક્ષા પાણીમાં બંધ થઇ જતાં ત્રણ યુવાનો પાણીના વહેણમાં તણાયા હતાં. તે પૈકીના બે કૌટુંબિકભાઇઓ તરીને બચી ગયા હતાં. જયારે રિક્ષા ચાલકનું ડૂબી જવાથી મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના ભીમકટ્ટા ગામમાં રહેતો વિનોદ ઉર્ફે પિન્ટુ પાલાભાઇ શેખવા(ઉ.વ.21) નામનો યુવાન સોમવારે સવારે તેના બે કૌટુંબિક ભાઇઓ સાથે તેની જીજે.10.ટી.ડબ્લ્યુ 7811 નંબરની સીએનજી રિક્ષામાં ધ્રોલ ગામે ગેસ ભરાવીને પરત ફરતા હતાં. ત્યારે સોમવારે સાંજના સમયે ધ્રોલથી દોઢ કિમી દૂર વાગુદડિયા આઠનાળા વોકળાના કોઝવે ઉપરથી પસાર થતાં હતાં ત્યારે રિક્ષા પાણીમાં બંધ થઇ જતાં પાણીના પ્રવાહમાં વિનોદ સહિતના ત્રણેય પિતરાઇ ભાઇઓ તણાઇ ગયા હતાં. પરંતુ બે કૌટુંબિક ભાઇઓ તરીને બચી ગયા હતાં. પરંતુ રિક્ષા ચાલક વિનોદ વોકળાના પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો.
દરમ્યાન પાણીના પ્રવાહમાં લાપતા યુવાનની શોધખોળ હાથધરી હતી. પરંતુ પતો લાગ્યો ન હતો. બાદમાં મંગળવારે સવારના સમયે લાપતા થયેલાં રિક્ષા ચાલક વિનોદ શેખવાનો મૃતદેહ પાણીમાંથી મળી આવતાં આ અંગેની જાણના આધારે હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.
ધ્રોલ નજીક વોકળામાં ત્રણ પિતરાઇ ભાઇઓ તણાયા, એકનું મોત
ધ્રોલથી ગેસ ભરાવી પરત ફરતા સમયે વાગુદડીયા કોઝવે ઉપર રિક્ષા બંધ થઇ ગઇ : બે ભાઇઓ તરીને બચી ગયા : રિક્ષાચાલકનો મૃતદેહ 16 કલાક બાદ સાંપડયો