જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં પ્રૌઢને બુધવારે સવારના સમયે સીક્કા પાટીયા નજીક પેટ્રોલ પંપ પાસે પુરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી સરકારી સ્કૂલની બાજુમાં રહેતાં કાદરભાઈ ઓસમાણભાઈ કંડિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ બુધવારે સવારના સમયે સીક્કા ગામમાં આવેલા પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થતા હતાં ત્યારે પૂરપાટ આવી રહેલી જીજે-18-એવી-6397 નંબરની કામના ટ્રાવેર્લ્સની લકઝરી બસના ચાલકે પ્રૌઢને ઠોકરે ચડાવી હડફેટે લેતા પગમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સાદીકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.