મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પર અવતરણ પરની રાત્રિ. આજે મહાશિવરાત્રિનું પવિત્ર પર્વ છે ત્યારે છોટીકાશી તરીકે પ્રસિદ્ધ એવા જામનગર શહેરમાં વ્હેલીસવારથી ‘બમ બમ ભોલે’, ‘ૐ નમ: શિવાય’ ના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતાં. મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની વહેલીસવારથી જ લાઈનો લાગી હતી.
આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જામનગર સહિત સમગ્ર હાલારના ભાવિકો શિવમય બની જશે. છોટીકાશી તરીકે જાણીતા જામનગર શહેરમાં આજે વહેલીસવારથી જ મહાશિવરાત્રિના પર્વને લઇને શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જામનગર શહેરના શિવાલયોમાં ચાર પ્રહરની વિશેષ આરતી, પારખી યાત્રા, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોની આસ્થાસમાન સિધ્ધનાર્થ મહાદેવ મંદિર, કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્ર્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભોળાનાથને રીઝવવા ભાવિક ભકતો ભાવવિભોર બન્યા હતાં.
શિવરાત્રિ નિમિત્તે શિવભકતોએ છોટીકાશીના વિવિધ શિવાલયોમાં જુદાં-જુદાં અભિષેકોથી મહાદેવની પૂજા-અર્ચના કરી મહાદેવને રિઝવવા પ્રયાસો કર્યા હતાં. કોરોનાની મહામારી વચ્ચે આજે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ખુશીની વાત એ છે કે તંત્ર દ્વારા શિવ શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. આથી કોરોનાકાળને કારણે તહેવારોની ઉજવણીમાં બ્રેક લાગી હતી. જે શિવરાત્રિના પર્વમાં બ્રેક લાગી નથી. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હિન્દુ ઉત્સવ સમિતિના ઉપક્રમે શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બપોરે 3:30 વાગ્યે સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ભ્રમણ કરશે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના શિવાલયો ‘બમ બમ ભોલે’ ના નાદ સાથે ગુંજી ઉઠયા બાદ શિવ શોભાયાત્રામાં શહેરના રાજમાર્ગો પણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે.