પેટ્રોલ ડિઝલ વેચાણ પરનું માર્જિન છેલ્લાં ત્રણ વર્ષથી વધારવામાં આવ્યું ન હોય 12 ઓગસ્ટે રાજયભરના પેટ્રોલપંપ સંચાલકો પેટ્રોલ ડિઝલની ખરીદી કરશે નહીં. તેમજ સીએનજીનું વેચાણ બપોરે એક કલાક સુધી બંધ રાખશે.સરકાર તથા ઓઇલ કંપનીઓનું ધ્યાન દોરવા માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસો. દ્વારા આ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે.
પેટ્રોલિયમ ડિલર્સ એસો.ના પ્રમુખ અરવિંદ પી. ઠકકર તેમજ જનરલ સેક્રેટરી ધિમંત ઘેલાણીના જણાવ્યા અનુસાર જયાં સુધી પેટ્રોલિયમ ડિલર્સની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. તેમણે જણાવ્યું છે કે, ડિલર્સનું માર્જીન દર વર્ષે વધારવું તેવું અગાઉ નકકી થયેલું છે. તેમ છતાં છેલ્લાં 3 વર્ષથી માર્જીનમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લે 1/08/2017ના રોજ માર્જીન વધારો કરાયો હતો. ત્રણ વર્ષમાં ડિલર્સને થતાં ખર્ચમાં 30 ટકા જેવો વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ 51%નો માતબર વધારો થવાને કારણે ડિલર્સનું મુડી રોકાણ પણ વધી ગયું છે. જેને કારણે વ્યાજનું ભારણ વધ્યું છે. બીજી તરફ કોરોનાને કારણે છેલ્લાં 18 મહિનામાં ઇંધણનું વેચાણ 35 ટકા વધી ગયું છે. તથા નકલી બાયોડિઝલનું ગેરકાયદે વેચાણ થતું હોય. ડિલરોને નુકસાની ભોગવી પડે છે. આ સમસ્યાઓ વચ્ચે મૃતપાય થઇ રહેલાં આ વ્યવસાયકારોની માંગણી નહીં સ્વિકારાય તો મોટા પ્રમાણમાં પેટ્રોલ પંપ બંધ થઇ જશે.
ફેડરેશનના જણાવ્યા અનુસાર છેલ્લાં 3 વર્ષમાં 50થી વધુ વખત ઓઇલ કંપનીઓને આ અંગે રજુઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ જ હકારાત્મક જવાબ નહીં મળતાં ના છુટકે આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડી રહી છે. ફેડરેશને જણાવ્યું છે કે, તેમના અભિયાનથી સામાન્ય ગ્રાહકોને કોઇ મુશ્કેલી પહોંચશે નહીં. તેમજ ડિલર્સો કોઇ કંપની કે સરકારના વિરોધમાં નથી. પરંતુ સંદેશ યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું આ અભિયાન છે. તેમણે કહ્યું કે, 2020-21 દરમ્યાન ઓઇલ કંપનીઓએ 60 વર્ષનો રેકોર્ડ બે્રક નફો પ્રાપ્ત કર્યો છે. જયારે ડિલરોએ રેકોર્ડ બે્રક નુકસાન વેઠયું છે. રાજયમાં 4000 જેટલાં પેટ્રોલ પંપ છે. જેઓ 24 કલાક ગ્રાહકોને સેવા આપે છે.તેમજ દર મહિને રાજયમાં 26 કરોડ લિટર પેટ્રોલ અને 54 કરોડ લિટર ડિઝલનું વેચાણ થાય છે.ત્યારે નો-પર્ચેસને કારણે 2.66 કરોડનો જથ્થો ડિલર્સ ખરીદી શકશે નહી.