કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 17 ડિસેમ્બરના રોજ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા 101 થઇ ચુકી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ઓમિક્રોનના 101 કેસ નોંધાયા છે. આજે દેશમાં ઓમીક્રોનના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. જે પૈકી 10 દિલ્હીમાં, 8 મહારાષ્ટ્રમાં, 4 કેરળમાં નોંધાયા છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણા અને કર્ણાટકમાં આઠ-આઠ અને કેરળમાં 7કેસ અને ગુજરાતમાં 5 કેસ નોંધાયા છે. ગુજરાતના જામનગરમાં ઓમીક્રોનના 3 કેસ નોંધાયા હતા તે ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં 2 કેસ એક્ટીવ છે.
ઓમિક્રોનના કેસ જે દેશોમાં વધુ જોવા મળી રહ્યા છે. તે દેશોને હાઈ રિસ્ક દેશોમાં ગણવામાં આવી રહ્યા છે. 11 ડિસેમ્બરના દિવસે સુરતમાં એક યુવક તાંઝાનિયાથીઆવતા એને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યો હતો પરંતુ આજે આરોગ્યની ટીમે ચેકિંગ કરતા યુવક જોવા ન મળતા આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ રૂ. 2500નો દંડ ફટકાર્યો હતો.અત્યાર સુધી કોરોનાનો ઓમીક્રોન વરીયન્ટ વિશ્વના 91 દેશો સુધી ફેલાઈ ચુક્યો છે.