દેશમાં સતત વધતા ઓમિક્રોન કેસના આંક હવે વધારે ડરાવી રહ્યા છે. એક તરફ કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકો ઘરમાંથી નીકળ્યા બાદ એ રીતે ફરતા દેખાય છે કે જાણે તેમની વચ્ચે હવે કોરોના રહ્યો જ નથી. પરંતુ દેશમાં ઓમિક્રોનના કેસની શરૂઆત થયા બાદ હવે આંકડો 350ને પાર થઈ ગયો છે. એક જ દિવસની અંદર નવા 84 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આ પહેલા મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોનના સૌથી વધારે 44 કેસ નોંધાયા હતા. નવા 84 કેસના વધારા સાથે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 341 પર પહોંચી ગઈ છે.
નવા નોંધાયેલા ઓમિક્રોનના કેસમાં સૌથી વધારે ગુરૂવારે 33 કેસ તામિલનાડુમાં નોંધાયા છે, જયારે મહારાષ્ટ્રમાં નવા 23 કેસ અને કર્ણાટકમાં 12 લોકો સંક્રમિત થયા છે. ગુજરાત અને દિલ્હીમાં 7-7 લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જયારે ઓડિશામાં બે લોકો નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.
ઓમિક્રોનના કુલ 88 કેસ સાથે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે, આ પછી દિલ્હી 64 કેસ સાથે બીજા નંબર પર છે. જે બાદ તેલંગાણા 38 કેસ સાથે ત્રીજા સ્થાને છે. તામિલનાડુ કે જયાં બુધવાર સવાર સુધી માત્ર એક જ કેસ હતો અને તે પછી 34 ઓમિક્રોન પોઝિટિવ સાથે તે સૌથી વધુ પ્રભાવિત રાજયોમાં ચોથા નંબર પર છે. મહારાષ્ટ્રમાં એક દિવસ આખો ખાલી ગયા બાદ બીજા દિવસે એક સાથે 23 કેસ નોંધાયા છે. જેમાંથી 17 દર્દીઓમાં કોઈ લક્ષણો નથી દેખાયા જયારે 6 દર્દીઓમાં સામાન્ય લક્ષણો દેખાયા છે. નવા 23 કેસમાંથી 18 વર્ષથી નાની ઉંમરના 4 દર્દીઓ છે, નવા સંક્રમિતોમાં 13 પુણે જીલ્લાના અને 5 મુંબઈના, 2 ઓસ્માનાબાદ અને એક-એક થાણે, નાગપુર અને મીરા-ભાંઈદરના છે.
કર્ણાટકમાં વધુ 12 કેસ નોંધાતા રાજયના કુલ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે. જેમાંથી 10 દર્દીઓ બેંગ્લુરુના છે. ગુજરાતમાં ઘણાં લાંબા સમય પછી એક જ દિવસમાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે રાજયમાં 111 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. ગુરુવારે નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે. જે પછી બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે સુરત (18) અને વડોદરા (11) આવે છે. 24 કલાકમાં રાજયમાં 78 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. નવા રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજયમાં એકિટવ કેસનો આંક 668 પર પહોંચી ગયો છે.