જામનગર શહેરના જૂના અંધાશ્રમ આવાસમાં રહેતાં વૃદ્ધને તેના બ્લોકમાં રહેતી મહિલા કુટણખાણુ ચલાવતી હોય જે બાબતે અગાઉ થયેલી બોલાચાલી બાદ પાંચ શખ્સોએ ધમકી આપી હતી અને તેનો ખાર રાખી શનિવારની મધ્યરાત્રિના પાંચ શખ્સોએ રીક્ષામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયાની પાંચ શકમંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જૂના અંધાશ્રમ આવાસમાં રહેતાં અને રીક્ષા ચલાવતા કિશોરભાઈ પાલા નામના વૃદ્ધને તેના જ બ્લોકમાં કુટણખાણુ ચલાવતી નીતાબેન મહેન્દ્રભાઈ નામની મહિલા અને પાંચ શખ્સો સાથે અગાઉ થયેલી બોલાચાલીમાં વૃદ્ધને પતાવી દેવાની ધમકી આપી હતી. આ જ બનાવનું મનદુ:ખ રાખી શનિવારે મધ્યરાત્રિના સમયે અનિલ મેર, ભરત મેર, વિરલ મહેન્દ્ર, યાજ્ઞિક મહેન્દ્ર અને મહેન્દ્ર વાળા સહિતના પાંચ શકદારોએ વૃદ્ધના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. મધ્યરાત્રિના દરવાજો ખખડાવતા ભયના કારણે વૃદ્ધે દરવાજો ખોલ્યો ન હતો. પરંતુ મકાનની ગેલેરીમાંથી નઝર કરતા વૃદ્ધની પાર્ક કરેલી રીક્ષા પાસે બેથી ત્રણ શખ્સોને નાશી જતા જોયા હતાં. ત્યારબાદ સવારે નીચે ઉતરતા વૃદ્ધની જીજે-23-યુ-0877 નંબરની રીક્ષામાં કોઇ હથિયાર કે સાધનો વડે આગળનો ગ્લાસ, હેડલાઈટ અને પતરામાં ઘોબા પાડી અંદાજે રૂા.12000 નું નુકસાન પહોંચાડયું હતું.
ત્યારબાદ આ નુકસાન અંગે વૃધ્ધે પોલીસમાં જાણ કરતા હેકો એન.આર. ડાંગર તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે પાંચ શકદારો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.