જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આશાપુરા હોટલની બાજુના વિસ્તારમાં રહેતા વૃધ્ધ તેની પત્ની અને પુત્ર સાથે ભંગારની ફેરીમાં જતાં હતાં ત્યારે તેના જ ભાઈના પરિવારજનોએ બાળકોના ઝઘડા બાદ સમાધાન કેમ નથી કરતા ? તેમ કહી લોખંડના પાઈપ વડે દંપતી ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર-2 માં હનુમાનદાદાના મંદિર પાસે રહેતા કમાભાઈ કાનાભાઈ રાઠોડ નામના વૃધ્ધ બુધવારે બપોરના સમયે તેના પત્ની લાભુબેન અને પુત્ર મુનેશ સાથે ભંગારની ફેરી કરતાં હતાં ત્યારે શરૂ સેકશન રોડ આશાપુરા હોટલની બાજુમાં આવેલી શેરીમાં પહોંચ્યા ત્યારે તેના ભાઈ પરશોતમ રાઠોડે કમાભાઈને આંતરીને તારા અને મારા દિકરા વચ્ચે થયેલા ઝઘડામાં તુ સમાધાન કેમ નથી કરતો ? તેમ કહી પરસોતમ રાઠોડ, અજય પરસોતમ રાઠોડ, ગજી પરસોતમ રાઠોડ, મેરુ પરસોતમ રાઠોડ નામના પિતા અને ત્રણ પુત્રો સહિતના ચાર શખ્સોએ વૃધ્ધ પરિવાર ઉપર લોખંડના પાઇપ વડે વૃધ્ધ ઉપર અને પત્ની વૃધ્ધાને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઘવાયેલા વૃધ્ધ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે હુમલાનો ભોગ બનનાર કમાભાઈના નિવેદનના આધારે તેના ભાઈ પરસોતમ અને ત્રણ ભત્રીજા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.