છેલ્લા કેટલાંક દિવસોથી ચીનમાં વીજળી સંકટનાં સમાચારો ચર્ચામાં છે. ચીનમાં વિજસંકટ ઘેરું બનતા દુનિયાભર માટે ત્યાંથી થતું ઉત્પાદન અને પુરવઠો પ્રભાવિત થયો છે. અન્ય દેશની કંપનીઓ પણ આનાં હિસાબે પોતાનાં કારોબારને વિપરિત અસરો થઈ હોવાની ફરિયાદો કરી રહી છે. આ વીજસંકટનાં કારણે વ્યાપારમાં નુકસાન અને ઓર્ડર રદ થવા લાગ્યા છે. ચીનની આ ચર્ચા વચ્ચે ભારત પણ આવી જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં કોલસાનાં પુરવઠામાં જબરદસ્ત ઘટાડાનાં કારણે ભારત પણ વીજસંકટની કગારે આવી ગયું હોવાનું જાણવા મળે છે.
દેશમાં કોલસાનું ઉત્પાદન અને પુરવઠો એટલી હદે ઠપ થયા છે કે જો જલ્દીથી સ્થિતિ સુધરશે નહીં તો ભારત પણ ચીનની માફક વીજકાપ મૂકવા માટે મજબૂર થઈ શકે છે. જો આવું થાય તો કોરોના પછી વેપાર-ઉદ્યોગને વધુ એક ફટકો લાગશે. જે સુધરતા અર્થતંત્ર માટે કમરતોડ માર બની જશે.
બ્લૂમબર્ગનાં એક અહેવાલ અનુસાર દેશમાં ગત એક માસ સુધી કોલસાથી ચાલતા વીજમથકો ઉપર માત્ર ચાર દિવસ ચાલે એટલો જ સ્ટોક બચ્યો હતો. જે ઓગસ્ટ માસનાં સ્ટોકથી 13 દિવસ ઓછો હતો. દેશમાં અડધાથી વધુ વીજમથકો તો એલર્ટ મોડ ઉપર ચાલી રહ્યાં છે.
આ સ્થિતિમાં દેશનાં અનેક રાજ્યોમાં વીજળી વધુ મોંઘી થઈ શકે છે. ભારતમાં અત્યારે 70 ટકા જેટલું વીજ ઉત્પાદન કોલસા આધારિત છે. આ સ્થિતિમાં જો કોલસાનો પુરવઠો ઘટે તો વીજળી મોંઘી થવાનું નિશ્ચિત બની જાય છે.
આ રિપોર્ટમાં રેટિંગ એજન્સી ક્રિસિલનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એડ્વાઈઝરીનાં ડિરેક્ટર પ્રણવ માસ્ટરે કહ્યું હતું કે, જ્યાં સુધી પુરવઠામાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી અમુક સ્થાનો ઉપર વીજકાપ જોવા મળી શકે છે. તો અન્ય કેટલાંક સ્થાને વીજળીનાં બિલ વધી શકે છે.
કોલસાની તંગી પાછળ બે મોટા પડકારો મુખ્ય કારણભૂત છે. કોરોના મહામારીમાંથી રાહત વચ્ચે ઔદ્યોગિક ગતિવિધિ વધી ગઈ છે. મેન્યુફેક્ચરીંગ ક્ષ્ઁાત્રમાં વેગ આવતાં વીજળીની માગ વધી ગઈ છે. જેની સામે કોલસાનાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ચોમાસાએ કોલસાની ખાણોને પાણીથી ભરી દીધી છે. પરિવહનનાં માર્ગો પણ ભારે વરસાદે ધોઈ નાખ્યા છે. જેથી કોલસાની આપૂર્તિમાં મુશ્કેલી સર્જાઈ છે. ઉર્જામંત્રી રાજકુમાર સિંહ રાજકુમાર સિંહનાં કહેવા અનુસાર આગામી પાંચથી છ માસ સુધી આ સમસ્યા રહી શકે છે.