દેવભૂમિ દ્વારકામાં હાલ અસ્તિત્વમાં રહેલા ‘દ્વારકા હોટેલ એસોસિયેશન’ના હોદ્દેદારો, સદસ્યોની એક મિટિંગ તાજેતરમાં હોટેલ લેમન ટ્રી ખાતે યોજાઇ હતી. જેમાં આગામી વર્ષ માટેના નવા હોદ્દેદારોની બિનહરીફ રીતે વરણી કરવામાં આવી હતી.
દ્વારકા હોટલ એસોસિએશન કે જેમાં આ વિસ્તારની વિવિધ નાની-મોટી હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળા મળી 200 જેટલા એકમના સંચાલકો તેમાં સભ્ય તરીકે જોડાયેલા છે. ત્યારે આ એસોસિએશનના પ્રમુખ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી કાર્યકર નિર્મલભાઈ સામાણી પ્રમુખ તરીકે કાર્યરત હતા. છેલ્લા આશરે સાત વર્ષથી તેમની પ્રમુખ તરીકેની અવિરત સેવાઓ વચ્ચે બુધવારે લેમન ટ્રી હોટલ ખાતે એસોસિએશનના સભ્યોની ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં એસોસિએશનના પ્રમુખ નિર્મલભાઈ સામાણીના અધ્યક્ષ સ્થાને અગ્રણી રમણભાઈ સામાણી, ઇશ્વરભાઇ ઝાખરીયા, ભરતભાઈ સોલંકી પરેશભાઈ ઝાખરીયા સહિતના આગેવાનો હોદ્દેદારો તેમજ હોટેલ સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકા હોટેલ એસોસિએશનમાં આગામી પ્રમુખ તરીકે ધ દ્વારિકા હોટલના સંચાલક ઈશ્વરભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ ઘઘડા, તેમજ સેક્રેટરી તરીકે લોર્ડ્ઝ હોટલ વાળા રવિ ચંદુભાઈ બારાઈની સર્વાનુમતે બિનહરીફ રીતે વરણી કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત સૌ કોઈએ આવકારી, અને શુભકામનાઓ પાઠવી હતી. આગામી સમયમાં સંસ્થાના પ્રશ્ર્નો તેમજ અન્ય બાબતે સૌને વિશ્વાસમાં લઈને કામગીરી કરવામાં આવશે તેવી નવનિયુક્ત સભ્યોએ ઉપસ્થિતોને ખાતરી આપી આભાર વ્યક્ત કર્યો.