અદાણી ગ્રુપની મીડિયા કંપની AMG NDTV(નવી દિલ્હી ટેલિવિઝન) મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુગલિયાએ લેટર જાહેર કરી જણાવ્યું કે NDTVભારતની ત્રણ સૌથી મોટી ચેનલ્સમાંથી એક છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોપ્યુલર છે.
બ્લૂમબર્ગ દ્વારા મેળવવામાં આવેલા ડેટા મુજબ ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડ રૂપિયામાં 32થી વધુ ડીલ કરી છે. હવે આ ગ્રુપ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ પહેલાં 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી.
અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડએ AMG મીડિયા નેટવર્કની સાથે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા છે. કંપનીએ 26 એપ્રિલ, 2022નાં રોજ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ નામથી મીડિયા વ્યવસાયને ચલાવવા માટે એક લાખ રૂપિયાની ઈનિશિયલ ઓથરાઈઝ્ડ અને પેડઅપ શેર કેપિટલનું પ્રોવિઝન કર્યું છે. તેમાં પબ્લિશિંગ, એડવરટાઈઝમેન્ટ, બ્રોડકાસ્ટિંગ સહિત મીડિયા રિલેટેડ સહિતના કામો સામેલ રહેશે. અદાણી ગ્રુપ તરફથી NDTVને ખરીદવાનો ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે ’ધ ક્વિન્ટ’માં એડિટોરિયલ ડાયરેક્ટર રહી ચુકેલા સંજય પુગલિયા ’અદાણી એન્ટરપ્રાઈઝ’ના મીડિયા ઈનિશિએટિવ્સમાં CEO ની સાથે સાથે મુખ્ય સંપાદક તરીકે પસંદ થયા હતા.