હરિયાણાના હિસારમાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈક્વિન્સ(NRCE)ના વૈજ્ઞાનિકોએ દેશની પશુઓ માટેની પ્રથમ કોરોના વેક્સિન તૈયાર કરી છે. જેનું ટ્રાયલ આર્મીના કુતરાઓ પર કરવામાં આવ્યું હતું અને વેક્સિનના 21 દિવસ બાદ તેમાં એન્ટીબોડી જોવા મળ્યા હતા. અને હવે જુનાગઢના સક્કર બાગ ઝૂમાં સિંહો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. અને બાદમાં વેક્સિનને બજારમાં લાવી પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવશે.
વેક્સિનને વિકસિત કરનારી સંસ્થા NRCEના મુખ્ય વૈજ્ઞાનિક ડો.નવીન કુમારે જણાવ્યું હતું કે કૂતરા, બિલાડી, દીપડા, ચિતા અને હરણ પણ કોરોના સંક્રમિત થયા છે. ચેન્નાઈના એક ઝૂમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી એક સિંહનું મોત પણ થયું હતું. આ અંગે NRCEના ડાયરેક્ટર ડો.યશપાલ સિંહે જણાવ્યું હતું કે આ વાઈરસ મનુષ્યમાંથી પશુઓમાં અને પછી પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાના ઘણા સ્ટડી પ્રકાશમાં આવ્યા છે.
અને બાદમાં NRCEના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 5 જગ્યાએ સિંહ પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. જેમાં સક્કરબાગ ઝૂમાં સિંહ પર ટ્રાયલ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પરવાનગી આપી દીધી છે અને સ્ટેટ ચીફ વાઈલ્ડલાઈફ વાર્ડનની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. અને બાદમાં સિંહોને વેક્સિન આપવામાં આવશે.