જળવાયુ પરિવર્તનના સતત પ્રતિકૂળ પ્રભાવના કારણે આખી દુનિયા ગરમ થઈ રહી છે અને તેના કારણે વારંવાર પૂર અને દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, હવેથી દુનિયામાં અચાનક પૂરની માફક દુષ્કાળ પણ અચાનક જ આવશે અને તે માત્ર 5 જ દિવસમાં 33 થી 46 ટકા જેટલી તબાહી મચાવી શકે છે.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ પ્રકારના દુષ્કાળ ગરમીમાં માત્ર થોડો જ વધારો થવા સાથે સર્જાય છે. છેલ્લા 2 દશકામાં તેની ઝડપમાં વધારો નોંધાયો છે. વર્ષ 2012-13માં ઉત્તરી અમેરિકા, મધ્ય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન અને આફ્રિકા જેવા દેશોમાં તે જોવા મળ્યું છે. ’નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત અધ્યયન પ્રમાણે અત્યાર સુધી આવા દુષ્કાળ દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વીય એશિયા, એમેઝોન બેઝિન, પૂર્વી ઉત્તરી અમેરિકા, દક્ષિણી દક્ષિણ અમેરિકામાં મુખ્યત્વે જોવા મળતા હતા. સંશોધકોના કહેવા પ્રમાણે મોનિટરીંગમાં વધારો કરવાથી અને અવલોકન દ્વારા તેનું પૂર્વાનુમાન લગાવવામાં મદદ મળશે. સમગ્ર વિશ્વમાં જળવાયુનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે તેના અનુસંધાને પણ આ ખૂબ જ જરૂરી છે. હોંગકોંગ પોલિટેક્નિક યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલા અભ્યાસના સંશોધકોના મતે અચાનક આવનારા દુષ્કાળ અંગેની વૈશ્વિક તસવીર સ્પષ્ટ બને તે ખૂબ જ જરૂરી છે. તેનાથી તેના વિકાસ અને સ્વરૂપોની જાણકારી મળી શકશે અને તે વૈશ્વિક સ્તરે કઈ રીતે વિકસિત થઈ રહ્યા છે તે જાણી શકાશે. આ માટે સંશોધકોએ 21 વર્ષના હાઈડ્રોક્લાઈમેટ આંકડાઓનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ વર્ષ 2000થી 2020 દરમિયાન સમગ્ર વિશ્વમાં માટીમાં ભેજની જાણકારી એકત્રિત કરીને હાઈડ્રોક્લાઈમેટના આંકડા એકત્રિત કર્યા હતા. આંકડાઓ પ્રમાણે અચાનક આવનારા દુષ્કાળ સંખ્યાની રીતે નથી વધી રહ્યા પરંતુ સમય સાથે તેની ગતિ વધુ તેજ બની રહી છે. છેલ્લા 20 વર્ષમાં આ પ્રકારના 33થી 46 ટકાના દુષ્કાળ 5 દિવસમાં આવવા લાગ્યા છે.
સામાન્યત: 30 ટકાથી વધારે દુષ્કાળ માત્ર 5 જ દિવસમાં વિકસે છે. જ્યારે બીજી બાજુ સામાન્ય દુષ્કાળના વિકાસમાં 5થી 6 મહિનાનો સમય લાગે છે જે જળવાયુના વિભિન્ન પરિબળોના સંયુક્ત પ્રભાવના કારણે વિકસે છે. જ્યારે વાયુમંડળમાં ભેજની ઉણપ, ઉચ્ચ તાપમાન, ઓછા વરસાદ અને વરાળના ઉચ્ચ દબાણની ઉણપના કારણે જમીનનો ભેજ ઘટવા લાગે છે.