જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટેની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂકયો છે. જેમાં પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું નથી. માત્ર ફોર્મ ઉપડયા હતાં. જેમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે 9 અને જામનગર ગ્રામ્ય બેઠક માટે 14 ફોર્મ ઉપડયા હતાં. જ્યારે જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક ઉપર એકપણ ફોર્મ ઉપડયા હતાં.
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક સહિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ચૂકી છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. આ પાંચ વિધાનસભા બેઠકો માટેની ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો તા. 5 નવેમ્બરથી પ્રારંભ થઇ ચૂકયો છે. જામનગર જિલ્લાની 76-કાલાવડ, 77-જામનગર ગ્રામ્ય, 78-જામનગર ઉત્તર, 79-જામનગર દક્ષિણ, 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટે 14 નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. પાંચેય વિધાનસભા બેઠક ઉપર જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે.
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે શનિવારે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું ન હતું. માત્ર ફોર્મ લેવાયા હતાં. જેમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે 9 અને જામનગર ગ્રામ્ય બેઠક માટે 14 ફોર્મ લેવાયા હતાં. જ્યારે જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક ઉપર એકપણ ફોર્મ પ્રથમ દિવસે લેવાયું ન હતું.