ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદી વિરામ વચ્ચે દિલ્હી, બિહાર, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો હતો. પાટનગર દિલ્હી તથા એનસીઆરમાં વરસાદી રેલમછેલને પગલે હવામાન ખુશનુમા બન્યું હતું અને લોકોને ગરમી-બફારામાંથી રાહત મળી હતી.
કર્ણાટકના અનેક ભાગોમાં ભારે વરસાદ વચ્ચે મેંગ્લોર જેવા ભાગોમાં જળબંબાકારથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. બિહારમાં પણ એકધારા વરસાદનો દોર જારી રહ્યો હતો. પટણા, ચંપારણ જેવા ભાગોમાં સારો વરસાદ થયો હતો.
રાજસ્થાનમાં ભારે વરસાદમાં જળમગ્ન બની રહ્યું છે. જયપુર,જોધપુર, હનુમાનગઢમાં ભારે વરસાદ પડ્યો હતો. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કોલકતા સહિત પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન, છતીસગઢ, મધ્યપ્રદેશ તથા ઓડિશામાં હળવો મધ્યમ વરસાદ થયો હતો. ઉતરાખંડમાં તંત્ર દ્વારા ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ થી પાંચ દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે તેની સરખામણીએ હવે વરસાદ ઓછો થયો છે. ગઈકાલે પણ બપોર અને સાંજે સંખ્યાબંધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડ્યો પડ્યો હતો. લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં આજે સમગ્ર જમ્મુ કાશ્મીર અને લેહ લડાખ ઉપર હળવા મધ્યમ વાદળા જોવા મળે છે.