Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતચૂંટણીઓ-ક્રિકેટ ટાણે મીંદડી થઇ જતાં તંત્રો અમદાવાદમાં રેસ્ટોરન્ટ બંધ કરાવે છે !!

ચૂંટણીઓ-ક્રિકેટ ટાણે મીંદડી થઇ જતાં તંત્રો અમદાવાદમાં રેસ્ટોરન્ટ બંધ કરાવે છે !!

અમદાવાદના 8 મોટાં વિસ્તારોમાં રેસ્ટોરન્ટ રાત્રે 08 વાગ્યે બંધ: કારણ, કોરોના !!

- Advertisement -

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોમવારે અચાનક મૌખિક આદેશથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાના બહાના હેઠળ રાત્રે 8 વાગે કોરોના જ્યાં વકરી રહ્યો છે તે 8 વોર્ડના નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુર વગેરે વિસ્તારમાં રેસ્ટોરાં બંધ કરાવી દીધી છે. એને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો, જોકે પછીથી મનપાએ ફેરવી તોળ્યું હતું.

- Advertisement -

અમદાવાદ મહાનગરપાલિકાએ એકબાજુ કોરોના ગાઈડ લાઈનનુંપાલન થતું નહીં હોવાનું જણાવી સોમવારે રાત્રે 8 વાગ્યાથી તાબડતોબ ખાણી-પીણી બજાર તથા રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધા હતા. બીજી બાજુ શહેરમાં પાંચ ટી-20 મેચ પણ યોજાવાની છે. તેની ઓનલાઈન તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટમાં સરકાર દ્વારા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે જ્યાં ભીડ ભેગી થાય છે. નાગરિકોનો સવાલ એ છે કે જો રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજાર ગાઈડલાઈનના નામે બંધ કરાવાતા હોય તો આ આયોજન કેમ ચાલવા દેવાય છે ?

શહેરની હોટેલો-રેસ્ટોરાં અને ખાણીપીણી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતું હોવાનું કહી મ્યુનિ.ના વિવિધ વિભાગની ટીમોના ધાડા અનેક વિસ્તારમાં ઉતરી પડ્યા હતા અને રાત્રે 8 વાગ્યે એકમો બંધ કરી દેવાની મૌખિક સૂચના આપી હતી.

- Advertisement -

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ કોરોનાના કેસો વધી રહ્યા છે. હોટલો- રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા. જેથી આજે તમામ ખાણી-પીણી બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી અને જ્યાં પાલન ન થાય ત્યાં બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં રેસ્ટોરાં અને ખાણી-પીણી જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ મુજબ નહીં જોવા મળે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.

લોકોએ બળાપો ઠાલવતા કહ્યું, મ્યુનિ.ની ચૂંટણી વખતે નેતાઓએ રેલીઓ કરી હજારોની ભીડ ભેગી કરી હતી આ ઉપરાંત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં પણ હજારો પ્રેક્ષકો એકઠાં થયા હતા. આ સમયે મ્યુનિ.એ કોરોનાના કેસ વધવાની અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતું હોવા અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું હતું. હકીકતમાં ચૂંટણી પછી જ કોરોનાના કેસમાં વધારો થયો છે.

- Advertisement -

કોરોનાના કેસની સમીક્ષા માટે મ્યુનિ. કમિશનરના વડપણ હેઠળ મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારીઓએ કોરોનાના કેસમાં ઉછાળો રોકવા માટે કયા પગલાં લેવા તેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

લાંબા સમયથી હોટલ-રેસ્ટોરાં પર તવાઇ ચાલી રહી છે. ત્યારે ફરીથી શહેરના કેટલાક વિસ્તારમાં જ કોરોના મામલે તવાઇ લાવવાનો તખતો ઘડાઇ ગયો છે. આ સંજોગોમાં પશ્ચિમ અમદાવાદમાં આવેલી 3 હજાર જેટલી હોટલ-રેસ્ટોરાં એટલે કે 60 ટકા જેટલી હોટેલ અને રેસ્ટોરાંને તેની સીધી અસર થશે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાની દલીલ આગળ ધરી સોમવારે કોર્પોરેશને શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં હોટેલ-રેસ્ટોરાં બંધ કરાવવા ધાડેધાડા ઉતારી દીધા હતા. જો કે, વાત વણસતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, અમે હોટેલ માલિકો અને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવ્યા હતા. અમારી વાત માનીને હોટેલ માલિકોએ જાતે જ હોટેલો બંધ કરી દીધી હતી.

દરમિયાન મ્યુનિ. હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતી હોટેલ-રેસ્ટોરાંમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાણી-પીણી બજારોના જે સ્ટોલ, હોટેલ, રેસ્ટોરાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા હોય તેમને એકમ તાત્કાલિક બંધ કરવા કહેવામાં આવ્યું હતું.

ટી-20 ક્રિકેટ મેચની મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ છે. સ્ટેડિયમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની સમસ્યા ઊભી થાય છે. મ્યુનિ. જો આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નામે ઝુંબેશ ચલાવશે તો મેચના આયોજન પર પ્રશ્નાર્થ થશે. આથી મ્યુનિ. અભી બોલા અભી ફોક કરીને મંગળવારે પોતાના વલણમાં ફેરવી તોળે તેવી સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular