જામનગરનો 38 વર્ષનો પરેશ દોમડીયા નામનો યુવાન ગત ત્રીજી એપ્રિલે કોરોના ટેસ્ટ માટે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં ગયો હતો. જયાં તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતાં તેને પોઝિટીવ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે તેને પુષ્કળ તાવ અને અશકિત હોવાને કારણે 108ની મદદથી તેને કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રથી જી.જી.હોસ્પિટલ કોરોના વિભાગ ખાતે મોકલવામાં આવ્યો હતો.
કોરોના હોસ્પિટલ ખાતે ફલુની ઓપીડીમાં આ પોઝિટીવ દર્દીને તપાસી, માત્ર દવાઓ આપી રવાના કરી દેવામાં આવ્યો હતો. દર્દીએ આરટીપીસીઆર ટેસ્ટની માંગણી કરી તો પણ હોસ્પિટલ સતાવારાઓએ આ ટેસ્ટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અત્રે નોંધનિય છે કે, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે તથા આઇસીએમઆરના વૈજ્ઞાનિકોએ તંત્રોને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે,એન્ટીજન ટેસ્ટમાં સેન્સિટીવીટી ઓછી હોય છે તેથી ખોટા રિપોર્ટની આશંકાઓ રહે છે. આ ટેસ્ટનું પરિણામ 15 મિનિટમાં આવે છે. પરંતુ કોરોનાના લક્ષણો હોવા છતાં જે દર્દીનો એન્ટીજન ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવો જોઇએ.
આટલી સ્પષ્ટ સુચના હોવા છતાં જામનગરની કોરોના હોસ્પિટલમાં લાલીયાવાડી ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે ‘ખબર ગુજરાત’ દ્વારા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. દિપક તિવારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડો. તિવારીએ ‘ખબર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ આવેલાં દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં નથી. કોઇ પણ દર્દીને ઓકિસજનની જરૂરિયાત હોય અને શ્ર્વાસ લેવામાં તકલીફ હોય તો જ તેઓના આરટીપીસીઆર ટેસ્ટ કરી કોરોના હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવે છે. ટૂંકમાં જે લોકોની સ્થિતિ ગંભીર ન હોય તેઓને દવાઓ આપી રવાના કરવામાં આવે છે. આ પ્રકારના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં નથી. અત્રે નોંધાનીય છે કે, આ પ્રકારના ઘણા દર્દીઓ કોરોનાના લક્ષણો ધરાવતાં હોય છે. આ પ્રકારના દર્દીઓ સમાજમાં છૂટાં ફરી કોરોનાનું સંક્રમણ ફેલાવવામાં જવાબદાર બનતાં હોય છે અને આ પ્રકારના દર્દીઓએ ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી અને પરવડે નહીં તેવી સારવાર ફરજીયાત લેવી પડતી હોય છે. સરકારી તંત્રોની આ નીતિરીતિઓ ખાનગી હોસ્પિટલો માટે ફાયદાકારક પૂરવાર થતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ બીજી વખત રાજયોને સુચના આપી છે કે, કુલ કોરોના ટેસ્ટ પૈકી 70% ટેસ્ટ આરટીપીસીઆર કરવા જરૂરી છે. આમ છતાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રીની આ સુચનાનું તંત્રો દ્વારા પાલન કરવામાં આવતું નથી. ગુજરાતમાં માત્ર 27% આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જામનગરના કલેકટર રવિશંકર શ્રીવાસ્તવે થોડાં દિવસ પહેલાં એમ કહ્યું હતું કે, જામનગરમાં દૈનિક 4000 કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જૈ પૈકી 3200 ટેસ્ટ આરટીપીસીઆર અને 800 ટેસ્ટ એન્ટીજન કરવામાં આવશે.વાસ્તવીકતા એ છે કે, શહેરમાં અન્ય સ્થળે તો ઠીક જી.જી.હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો તંત્ર ઇન્કાર કરે છે. હોસ્પિટલમાં દર્દીઓને સાચવવાની પૂરતી વ્યવસ્થા ન હોય, એ કોરોના દર્દીઓનો ગુનો નથી. જામનગરની કોરોના હોસ્પિટલ તથા કોર્પોરેશનના તમામ આરોગ્ય કેન્દ્રોમાં આરટીપીસીઆર ટેસ્ટની સગવડ કરવા અંગે કલેકટર-કમિશ્નર તથા જી.જી.હોસ્પિટલના આરોગ્ય સતાવાળાઓએ તાકીદે વ્યવસ્થા કરવી જોઇએ. એવી લાગણી લોકો વતી ‘ખબર ગુજરાત’ અત્રે વ્યકત કરે છે.
કોરોના સંક્રમણને કાબૂમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં ફરી કહ્યું કે, કુલ ટેસ્ટના 70% ટેસ્ટ આરટીપીસીઆર જ હોવા જોઈએ. આમ છતાં, રાજ્યો રેપિડ એન્ટિજન ટેસ્ટ જ વધુ કરી રહ્યા છે અને સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે આરટીપીસીઆર ટેસ્ટ સતત ઘટાડ્યા છે.
આ રાજ્યોમાં સંક્રમણ વધવાનું આ એક કારણ છે. ફેબ્રુઆરી સુધી દેશમાં સરેરાશ 58% ટેસ્ટ આરટીપીસીઆર થતા હતા. હવે સંક્રમણ બેકાબૂ છે, ત્યારે દેશમાં 61% ટેસ્ટ જ આરટીપીસીઆર રહ્યા છે. 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અડધા એવા છે, જે 50% ટેસ્ટ પણ આરટીપીસીઆર નથી કરતા.
ફક્ત 12 રાજ્ય એવા છે, જે 70% કે તેનાથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરી રહ્યા છે. પાંચ રાજ્ય એવા છે, જે 50%થી વધુ, પરંતુ નક્કી માત્રાથી ઓછો આરટીપીસીઆર ટેસ્ટ કરી રહ્યા છે. 12 રાજ્ય 40% કે ઓછા ટેસ્ટ કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, રાજ્યોમાં આરટીપીસીઆર ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે. આ આંકડો 70% જેટલો હોવો જોઈએ.
આઇસીએમઆરના વિજ્ઞાની ડો. સમીરન પાંડાના મતે, એન્ટિજન ટેસ્ટમાં સેન્સિટિવિટી ઓછી હોય છે, જેથી ક્યારેક ખોટા રિપોર્ટની આશંકા રહે છે. તેનું પરિણામ ફક્ત 15 મિનિટમાં મળી શકે છે. પરંતુ લક્ષણો હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય એવા દર્દીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ એવો નિર્દેશ પણ છે.