પેટ્રોલ ડિઝલ વેચાણ પરનું મારઝીન છેલ્લાં 3 વર્ષથી વધારવામાં આવ્યું ન હોય ગત ગુરૂવાર તા.12 ઓગષ્ટના રોજ રાજ્યભરના પેટ્રોલપંપ સંચાલકોએ ‘નો પરચેઝ’નું એલાન કરી પેટ્રોલ-ડિઝલની ખરીદી કરી ન હતી. જેમાં ફરીથી આજે તા.19 ઓગષ્ટના રોજ ‘નો પરચેઝ’ અંતર્ગત ફરીથી પેટ્રોલ-ડિઝલની ખરીદી કરશે નહીં.
પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઇ ઠકકર તથા જનરલ સેક્રેટરી ધિમંતભાઇ ઘેલાણીના જણાવ્યા અનુસાર આજે ‘નો પરચેઝ’ એટલે કે ઇંધણની ખરીદી કરવામાં નહી આવે. આ ઉપરાંત અમદાવાદમાં સવારે 10 વાગ્યે એક ટેન્ટ બનાવીને ઉપવાસ આંદોલન કરાશે. જેમાં દરેક જિલ્લામાંથી બે કે ત્રણ લોકો કાળા કપડાં પહેરી આ ઉપવાસ આંદોલનમાં જોડાશે. આ ઉપરાંત અન્ય લોકો પોતપોતાના જિલ્લાઓમાં કાળા કપડાં પહેરી ઉપવાસ બેસશે.