ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના બીજા કાર્યકાળમાં આકરા નિર્ણયો લઈ રહ્યા છે. યોગીએ મંગળવારે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં અડધા કલાકથી વધુ લંચ બ્રેક ન લેવો જોઈએ. તેમના નિવાસસ્થાને બેઠકને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમને અધિકારીઓ અને કર્મચારીઓની લાંબી લંચ બ્રેક લેવાની ફરિયાદો મળી છે, જેના કારણે ઓફિસોમાં કામ પર અસર પડી રહી છે. યુપી સીએમએ સંબંધિત અધિકારીઓને લંચ બ્રેક 30 મિનિટથી વધુ ન હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.
સરકારી કર્મચારીઓ માટે બપોરે 1.30 વાગ્યે લંચ બ્રેક લેવો અને બપોરે 3.30 વાગ્યે અથવા 4 વાગ્યાની આસપાસ લંચ પછી કામ પર પાછા ફરવું સામાન્ય બની ગયું છે. લંચ માટે ઘરે જતા વરિષ્ઠ અધિકારીઓ પણ 3 કલાક સુધીનો વિરામ લે છે. આવા સંજોગોમાં સામાન્ય નાગરિકો કે જેઓ તેમના કામ પતાવવા ગયેલા અથવા ફરિયાદ લઈને આવતા હોય તેઓને ભારે મુશ્કેલી પડે છે. પરંતુ યુપીમાં આદિત્યનાથના આ નિર્ણયથી સામાન્ય માણસને ઘણી રાહત મળશે.
યોગી આદિત્યનાથે આ નિર્ણય લેતા પહેલા અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપી હતી કે બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી માત્ર વ્યાવસાયિક માફિયાઓ, ગુનેગારો સામે જ થવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવામાં આવે કે બુલડોઝર કોઈ ગરીબની ઝૂંપડી કે દુકાન તરફ ન ફરે. ત્યારે આજે વધુ એક વખત સરકારી કર્મચારીઓના લંચબ્રેકને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.