જામનગર સહિત રાજયના મહાનગરોમાં ઢોરોના ત્રાસથી નાગરીકોને મુકત કરાવવા સરકાર દ્વારા નવા કાયદા નો ડ્રાફટ તૈયાર કરીને વિધાનસભા કમિટી સમક્ષ રજૂ કરી દીધો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રખડતા ઢોરોના માલિકો સામે પણ કડક કાર્યવાહી સહિતના કાયદાના આખરીઓપ બાદ આવનાર બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં નવા કાયદાને બહાલી આપવામાં આવશે.
રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસની વકરતી જતી સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત સરકાર દ્વારા નવો કડક કાયદો લાવવા જઈ રહી છે. જેના પગલે હાલ કાયદા વિભાગે નવો કાયદા નો ડ્રાફટ તૈયાર કરી દીધો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરો અને નગરોમાં રખડતા ઢોરોના ત્રાસથી છુટકારો મેળવવા માટે તૈયાર થયેલા કાયદાનો ડ્રાફટ ગુજરાત વિધાનસભાની કમિટી સમક્ષ મૂકી દીધો છે જેને આગામી બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં રખડતા ઢોરોના ત્રાસ ના નિયંત્રણ માટે નવા બનેલા કાયદાને મંજૂરી અપાશે. તો બીજી તરફ કાયદામાં એવી મહત્વની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે તે મુજબ રાજ્યની મહાનગર પાલિકા – નગરપાલિકા ક્ષેત્રમાં નો કેટલ ઝોન જાહેર કરવા તે અંગે સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાયદા અંતર્ગત પશુ માલિકો સામે કેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેનો સમાવેશ પણ ડ્રાફટની અંદર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યોમાં રખડતા ઢોર મામલે ત્યાંની સરકાર દ્વારા જે કાયદો અમલમાં બનાવ્યો છે. તેનો અભ્યાસ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને તે મુજબ કડક કાયદો અમલમાં લાવવા માટેની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારથી દુર અલગ ઢોર વાડો બનાવવા અંગે પણ સરકાર વિચારી રહી છે . અને આ માટે તમામ જિલ્લા કલેક્ટરો અને મહાનગર પાલિકાના કમિશનરોને તેમના વિસ્તારમાં ઢોરવાડાની જગ્યાઓ માટેનો અહેવાલ મંગાવી દીધો છે. સાથે સાથે રાજ્યની મહાનગર પાલિકા સહિત મોટા શહેરોમાં કાર્યરત ઢોર ત્રાસ અંકુશ વિભાગને આ કાયદા અંતર્ગત વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટેના મુદ્દાનો પણ સૂચિત ડ્રાફટ માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરોમાં આડેધડ રખડતા ઢોરોના ગળામાં આઇડેન્ટિફિકેશન ટેગ લગાડવા અંગેનું સૂચન પણ કાયદા વિભાગ દ્વારા તૈયાર કરેલા ડ્રાફટમાં સમાવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રખડતા ઢોરોના માટે સરકારનો નવો કાયદો બનાવવા જઇ રહી છે ત્યારે આ કાયદો આવનાર સમયમાં કેટલો અસરકારક રહે છે તે જોવું રહ્યું.