રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઇએ ગુરુવારે રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો હતો. એટલે કે વ્યાજ દર 6.50% પર રહેશે. પરિણામે લોનધારકોને ઇએમઆઇમાં કોઇ રાહત મળશે નહીં. આરબીઆઇએ સતત બીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. આરબીઆઇના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવો 4% થી ઉપર રહેવાની સંભાવના છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.8% રહેવાનો અંદાજ છે. Q1 માં 8%, Q2 માં 6.5%, Q3 માં 6% અને Q4 માં 5.7% રહી શકે છે.
આરબીઆઇએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી દરમાં 2.50% વધારો કર્યો છે. એપ્રિલમાં યોજાયેલી છેલ્લી બેઠકમાં રેપો રેટને 6.50% પર યથાવત રાખવામાં આવ્યો હતો. મોનેટરી પોલીસીની બેઠક દર બે મહિને મળે છે.
આરબીઆઇ પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટુલ છે. જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે, ત્યારે આરબીઆઇ રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ વધુ રહેશે તો બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. જેનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો નાણાંનો પ્રવાહ ઘટે છે, તો માંગ ઘટે છે અને ફુગાવો ઘટે છે. એ જ રીતે, જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે પુન:પ્રાપ્તિ માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે આરબીઆઇ તરફથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.