રાજ્યમાં ચાલુ મહિનાના બીજા સપ્તાહમાં ભારે વરસાદ પડતા જામનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર એમ 4 જિલ્લામાં નુકસાનીનો સરવે કરાયો હતો. આ જિલ્લાઓમાં સહાય ચૂકવવાની જાહેરાત બુધવારે થાય તેવી શક્યતા હતી, પણ અત્યારે રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો હોવાથી ટોચના અધિકારીઓ અને મંત્રીઓએ મુખ્યમંત્રીને બે-ચાર દિવસ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની ભલામણ કરતા હાલ પૂરતી સહાય જાહેર કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
4 જિલ્લામાં 679 ગામમાં નુકસાની થયાનો પ્રાથમિક અહેવાલ તૈયાર થઈ ગયો હતો. સહાચ ચૂકવવા અંગે બુધવારે ટોચના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક થઈ હતી, જેમાં સૂચનનો એવા મળ્યા કે, રાજ્યમાં ભારે વરસાદ ચાલુ હોવાથી સહાય જાહેર કરવામાં બે-ચાર દિવસ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઇએ. સૂત્રોના કહેવા પ્રમાણે મુખ્યમંત્રીએ બે દિવસ રાહ જોવાનું યોગ્ય સમજી સહાય જાહેર કરવાનું મોકૂફ રાખ્યું છે.