જામનગર શહેર સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા જૂગારના સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે આ કાર્યવાહી દરમિયાન અસંખ્ય જૂગારીઓ પોલીસના હાથમાં આવી જતા હોય છે અને ઘણાં જૂગારીઓ પોલીસ આવવાની હોય તે પહેલાં જ છુમંતર થઈ જતાં હોય છે. જામનગર પોલીસ દ્વારા શહેરના બેડી વિસ્તારમાંથી એક વર્લીબાજને ઝડપી લઇને તેની પાસેથી વર્લીનું સાહિત્ય કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી. જ્યારે ધ્રોલમાંથી પોલીસે જૂગાર રમાતા સ્થળે દરોડો પાડી ત્રણ મહિલા સહિત આઠ જૂગારીઓને પકડી પાડી તેની પાસે રહેલ રૂા.14720 ની રોકડ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ફારૂક નુરમામદ મુલા, જાવીદ ફારુક મુલા, કાદર આમદ દલ, રાજેશ સમસુદીન પોપટીયા અને ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને રૂા.14,720 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના બેડીમાં ઈકબાલ ચોક વિસ્તારમાં વર્લીના આંકડા પર જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન અસરફ હુશેન ગોરી નામના શખ્સને રૂા.830 ની રોકડ તથા વર્લીના સાહિત્ય સાથે દબોચો લઈ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.