જામનગર તાલુકાના બેરાજા ફલ્લામાં રહેતા અશોકસિંહ રામસંગ પરમાર પાસેથી ધ્રોલના વેપારી રાજેશ રામજીભાઇ ઘેટીયાએ સંબંધદાવે રૂા. 6,09,000 હાથઉછીના લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે રાજેશએ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક-ધ્રોલ શાખાના ચેકો આપ્યા હતાં. તે ચેકો રિટર્ન થતાં અશોકસિંહએ વેપારી સામે જામનગરની અદાલતમાં ચેક રિટર્નના કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં સમાધાનની શરત મુજબ આરોપી રાજેશ રામજીભાઇ ઘેટીયાએ પાર્ટ પેમેન્ટ કરવા માટે એક્સિસ બેંક ધ્રોલ શાખાનો રૂા. 85,000નો ચેક આપ્યો હતો. જે કેસ અશોકસિંહએ પોતાના બેંક ખાતામાં ભરત નાણાના અભાવે ચેક પરત ફર્યો હતો. જેથી અશોકસિંહએ પોતાના વકીલ મારફત ધ્રોલના વેપારીને નોટીસ આપી હતી.
તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા અશોકસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગરની એડી. ચીફ જ્યુ. મેજી. સ્પેશ્યલ નેગોશિયેબલ અદાલતના ન્યાયાધિશ આર.બી. ગોસાઇની અદાલત દ્વારા ધ્રોલના વેપારી રાજેશ રામજીભાઇ ઘેટીયાને 9 માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 85000નો દંડનો હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ચૂકવી આપવા કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આરોપી વિરુધ્ધ હુકમ મુજબનુ સજા વોરંટ ઇસ્યૂ કરવા તથા તેની અમલ બજવણી માટે ડીએસપી જામનગરને મોકલવા અદાલતે હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ રઘુવીરસિંહ કે. કંચવા રોકાયા હતાં.