ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ચાલતી ફેરી બોટ માટે નિયત દર તથા મુસાફરોની કેપેસીટી બાબત ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નિયમ ઘડવામાં આવ્યો છે. તેમ છતાં પણ અવારનવાર આ નિયમોનું ઉલ્લંઘન કરતા ફેરી બોટના સંચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વધુ એક આ કામગીરી અંતર્ગત ઓખા મંડળના બેટ દ્વારકા વચ્ચે ચાલતી યોગેશ્વરી, પાકીઝા, ભગવતીપ્રસાદ, બિસ્મિલ્લાહ, સાકિયે હુશેન, શહેનશાહ એ કિરમાણી, સુલતાની, અલ કાદરી અને બરકત નામની બોટના સંચાલકો દ્વારા નિયત દર કરતાં વધુ ભાડું વસૂલવા તથા કેપેસિટી કરતાં વધારે મુસાફરોનું વહન કરવા અને ક્રમ નંબર વગર મુસાફરનું વહન કરવા વિગેરે નિયમોનું ઉલ્લંઘન કરી અને લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ આગામી તારીખ 20 જૂન સુધી એક સપ્તાહ માટે સર્વિસ મોકુફીનો આદેશ કરવામાં આવ્યો છે.
આટલું જ નહીં ફેરી બોટની શરતના ભંગ બદલ રૂ. 500 થી રૂ. 1,000 સુધીનો દંડ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડની આ કડક કાર્યવાહીથી ફેરી બોટ સંચાલકોમાં દોડધામ સાથે ફફડાટ પ્રસરી ગયો છે.