દેશ સહીત રાજ્યભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. પરંતુ આ રાત્રી કર્ફ્યું જીવલેણ સાબિત થયું છે. સુરતમાં રાત્રી કર્ફ્યું હોય અને રાત્રીના સમયે બાળકી બીમાર થતાં પરિવારને હોસ્પિટલ જવા માટે રાત્રી દરમિયાન વાહન ન મળતા તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
પાંડેસરાના ગોવાલક નગરમાં રહેતા શ્રમજીવી છોટુ શ્રીનાથ મિસ્ત્રીની પાંચ વર્ષીય પુત્રી અર્ચનાને બુધવારે સાંજથી ઝાડા ઉલ્ટી થતી હતી. ત્યારે તેને હોસ્પિટલમાં લઇ જવા માટે રીક્ષા કે અન્ય કોઈ વાહન નહીં મળતા મજબુર માતા બાળકીને ઉંચકીને પાંડેસરાથી સોશ્યો સર્કલ સુધી દોડી હતી પરંતુ સારવારને અભાવે બાળકીનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.
બાળકીના પરિવારના સભ્યોએ જણાવ્યા અનુસાર તેણીની માતા દોડતા દોડતા આશાપુરી બ્રિજ સુધી આવી ત્યાં એક રીક્ષાવાળો મળ્યો પણ તેને કર્ફ્યુ હોવાનું કહી બેસાડ્યો નહીં હતો. જેને કારણે મજબુર માતા ત્યાથી પાછી દોડતી બાળકીને લઈને ઉધના મગદલ્લા રોડ પર સોશિયો સર્કલ સુધી પહોંચી હતી. અર્ચના નામની આ એકની એક પુત્રી હતી. તેને અન્ય બે ભાઈ છે. તેના પિતા કાપડ માર્કેટમાં પોટલાં ઉંચકવાવાની મજૂરી કરે છે. તેઓ બિહારના અરવલ જિલ્લાના વતની છે અને એક મહિના પહેલા જ રોજગાર માટે સુરત આવ્યા છે. સવારે આજુબાજુના લોકોને બાળકીનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોચી પ્રાથમિક કાર્યવાહી શરુ કરી હતી.