દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે.
નાઇટ કફર્યુને લઇને વડાપ્રધાને એવું સૂચન કર્યું હતું કે, કફર્યુનો સમય રાત્રે 9 કે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો હોવો જોઇએ. તેમજ આ કફર્યુને ‘કોરોના કફર્યુ’ નામ આપવા પણ તેમને રાજયોના મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, વિજય રુપાણી, યેદિરૂપ્પા, અમરિંદર સિંહ સહિતના મુખ્યમંત્રીઓ જોડાયા હતા.
બેઠકની શરૂઆતે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે આપણી સામે ફરી એક વખત પડકારજનક પરિસ્થિતિ આવી છે. કોરોનાને રોકવા માટે ટેસ્ટ, ટ્રીક અને ટ્રટની ભૂમિકા મહત્વની છે. તેમણે તમામ મુખ્યમંત્રીઓને કોરોના ટેસ્ટ પર ભાર મુકવાની અપીલ કરી છે. સાથે કહ્યું કે આપણુ લક્ષ્ય 70 ટકા આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું છે. વડાપ્રધાને કહ્યું કે પોઝિટિવ કેસોની સંખ્યા ભલે વધે, પરંતુ વધારેમાં વધારે ટેસ્ટ કરો. કેટલાક રાજ્યમાં સ્થિતિ વધારે ગંભીર છે. લોકડાઉન વિશે વાત કરતા કહ્યું કે અત્યારે લોકડાઉનની જરુર નથી, હાલ નાઇટ કર્ફ્યુ જ પુરતો છે. આજે આપણે જેટલું રસીકરણ કરીએ છીએ, તેના કરતા વધારે ટેસ્ટીંગ કરવાની જરુર છે. કોરોનાને રોકવા માટે ફરી વખત યુદ્ધના ધોરણે કામ કરવાની જરુર છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 11 થી 14 એપ્રિલ સુધી આપણે રસીકરણ ઉત્સવ ઉજવીએ. વેક્સિનના બગાડને રોકવો પણ જરૂરી છે. તમામ લોકો રસી લેવાનો પ્રયાસ કરે. સાથે જ વેક્સિન લગાવ્યા બાદ પણ સાવધાની રાખવી જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘વિશ્ર્વભરમાં રાત્રિ કર્ફ્યુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યુને આપણે કોરોના કર્ફ્યુના નામે યાદ રાખવો જોઇએ. કોરોનાને રોકવા માટે માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન પર ફોકસ ખાસ જરૂરી છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ પ્રકારના ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે.’