આજે શુક્રવારે (12 સપ્ટેમ્બર )પુરા થયેલા સપ્તાહમાં ભારતીય શેર બજારમાં લાંબા સમય બાદ તેજી જોવા મળી છે. જોકે આ તેજીમાં દમ કે મજબુતી જોવા મળી નથી. એનએસસીના સુચકઆંક નિફટી આ સપ્તાહમાં 373 પોઇન્ટનો એટલે કે 1.51 ટકાનો વધારો સુચવે છે પરંતુ, આ વધારો એટલો નબળો ધીમો અને મરી મરીને થયો હોય, રોકાણકારો તથા ટ્રેડરોમાં હજુ તેજીનો વિશ્વાસ જગાવી શકયો નથી. જેને કારણે તેજડિયાઓ (બુલ્સ) હજુપણ બજારમાં તેજીની મોટી પોઝીસન લેતા ખચકાઈ રહ્યા છે. બીજી તરફ ભારતીય બજારનો વોલેટીલીટી ઈન્ડેકસ ઈન્ડિયા ટઈંડ તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જે બજારની સ્થિરતા તો સુચવે છે પરંતુ એક મોટા ખતરાનો પણ સંકેત આપે છે. સામાન્ય રીતે 10 ના લેવલ આસપાસ વોલેટીલીટી ઈન્ડેકસ બહુ લાંબો સમય સસ્ટેઈન કરતો નથી. જાણકારોના મતે VIX ગમે ત્યારે શૂટ-અપ થઈ શકે છે. VIX નું વધવુ એટલે કે માર્કેટનું નીચે આવવુ, જ્યારે- જ્યારે પણ VIX માં ઉછાળો આવે છે તે અથવા તો ઉપરની તરફ શૂટ થાય છે ત્યારે માર્કેટ ક્રેશ થાય છે ત્યારે VIX નું તળિયે હોવું ભારતીય બજાર માટે એક ચિંતાનો વિષય છે.
શુક્રવારે પુરા થયેલા સપ્તાહમાં નિફટીએ 373 પોઇન્ટની તેજી દર્શાવી છે એટલું જ નહીં 25,000ના સાયકોલોજીકલ લેવલની ઉપર 25,114 ના સ્તરે બંધ આપ્યો છે. ગુરૂવારે પણ નિફટી 25,000 ના લેવલ ઉપર જ બંધ આપ્યો હતો. જ્યારે બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન 25,000 નું લેવલ ક્રોસ કર્યુ હતું. આમ સતત ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન નિફટી 25,000 ના લેવલ ઉપર ટ્રેડ થયો છે. જેને તેજી માટેના સારા સંકેત માનવામાં આવે છે. જો કે, 25,150 નું સ્તર નિફટી માટે હાલર્તુત રેજીસ્ટેન્ટ બની રહ્યો છે. શુક્રવારના સેશનમાં પણ નિફટી આ સ્તરની નજીકથી પરત ફર્યો હતો.
નિષ્ણાંતોના મતે હવે જ્યાં સુધી નિફટી 24,900 અને 24,800 ના સપોર્ટને જાળવી રાખે છે ત્યાં સુધી નિફટી માટે 25,500 અને ત્યારબાદ 26,000ના સ્તરની સંભાવનાઓ વધી જાય છે. જો કે, તેજી અને મંદીમાં નિફટીમાં ટેકનિકલ કરતા એફઆઈઆઈ અને અન્ય પ્રોપરાઈટરી ટ્રેડરોની ભૂમિકા ખુબજ મહત્વની હોય છે. આ લોકો એટલા તાકાતવર ટ્રેડરો છે કે જે મનીપાવરના આધારે બજારની દશા અને દિશા બન્ને બદલવાની ક્ષમતા ધરાવે છે. તેઓ બજારમાં ગમે ત્યારે પોતાની પોઝીસન મુજબ બજારને હચમચાવી શકે છે. જેનો ઉદાહરણ આપણે થોડા સમય પહેલાં જેનસ્ટ્રીટના નામે જોઇ ચૂકયા છીએ. જો કે, કેટલાંક વિશ્લેષકો આગામી સપ્તાહે બજારમાં મોટા તોફાનની સંભાવનાઓ જોઇ રહ્યા છે. તો કેટલાંક વિશ્લેષકો બેફામ તેજીની સંભાવના પણ દર્શાવી રહ્યા છે જેને કારણે નિફટી ફરીથી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી શકે છે.
ટૂંકમાં આગામી સપ્તાહ ટ્રેડરો અને રોકાણકારો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો નિફટી રેજીસ્ટન્સ પાર કરવામાં સફળ રહે છે તો મોટી તેજીની સંભાવના બની શકે છે. જો કે, તળિયે રહેલું VIX તેજી માટે વિલનની ભૂમિકા ભજવી શકે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.


