બુલ્સ ફરી એકવાર નિફટીને 25,000 ઉપર લઇ જવામાં સફળ રહ્યા છે. શું આ ટ્રેપ છે ? કે પછી ખરેખર તેજીનો પ્રારંભ થયો છે ? આ પ્રશ્નનો જવાબ આ સપ્તાહમાં ટ્રેડરોને મળી જશે. આજે સોમવારે સપ્તાહના પ્રારંભે ભારતીય શેર બજારે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. નિફટીમાં 180 થી વધુ પોઇન્ટ અને સેન્સેકસમાં 582 અને બેન્ક નિફટીમાં 515 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સાથે-સાથે બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવા મળી છે.
રોકાણકારો અને ટ્રેડરોમાં આજની તેજી બાદ અસમંજસની સ્થિતિ નિર્માણ પામી છે. શું અહીંથી વધુ તેજી થશે ? કે પછી બજારનો ઓપરેટરો તેજીવાળાઓને ટ્રેપ કરી રહ્યા છે. નિષ્ણાંતોના મતે નિફટીએ તાજેતરના ઘટાડાનું 50% ફિબોનાકી રીટ્રેસમેન્ટ પુર્ણ કર્યુ છે. જે 25000 ના સ્તરથી ઉપર આવે છે તે એક સકારાત્મક બાબત છે. પરંતુ, 25,000 થી લઇને 25,350 સુધી નિફટી માટે કેટલાંક મલ્ટીપલ રજીસ્ટેન્સ બન્યા છે. જેને પાર કરવા મુશ્કેલ બન્યું છે. જો કે, બેન્ક નિફટીની તેજી સારા સંકેત આપી રહી છે. બેન્ક નિફટી પોતાની સાથે નિફટીને પણ આગળ ખેંચી શકે છે. નવી તેજી માટે નિફટીએ 25,000 ના સ્તર ઉપર ટકી રહેવું ખુબ જ જરૂરી છે. જો આ સ્તર ઉપર નિફટી ટ્રેડ કરશે તો જ 25,500 સુધીની તેજી થઈ શકે તેમ છે. જ્યારે હાલતુર્ત નિફટી માટે 25,000 અને ત્યારબાદ 24,900 મજબુત સપોર્ટ લેવલ બની ગયા છે. જ્યારે નિફટી આ સ્તરની ઉપર રહે છે ત્યાં સુધી નિષ્ણાંતોના મતે ટ્રેડરો બાય ઓન ડિપ્સની સ્ટેટેજી અપનાવી શકે છે.
બીજી તરફ બેન્ક નિફટી નિફટીના પ્રમાણમાં ખુબ જ મજબુત જણાઈ રહી છે. બેન્ક નિફટીમાં ટે્રન્ડલાઈન ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ જોવા મળ્યો છે ત્યારે બેન્ક નિફટી પણ જે 56,000 નું સ્તર જાળવી રાખે છે તો આગામી દિવસોમાં 56,600 અને ત્યારબાદ 57,000 ના લેવલ દેખાડી શકે છે. બીજી તરફ દૈનિક RSI 60 થી વધીને 63.42 ઉપર પહોંચી ગયો છે જે બજારમાં અપટ્રેન્ડ સુચવી રહ્યો છે. આ ઉપરાંત વોલેટીલીટી ઈન્ડેકસ ઈન્ડિયા VIX પણ આજે બજારની તેજી સાથે 1.32 ટકા વધીને 10.19 ના લેવલ પર પહોંચ્યો છે. વધતા બજારમાં VIX નું વધવું તેજીવાળાઓ માટે સહાયક રહે છે. જો કે VIX નું આ સ્તર હજુ પણ ખતરાસુચક તો છે જ. ત્યારે આગામી કેટલાંક દિવસો ભારતીય બજાર માટે ખુબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)


