દેશના લોખંડી પુરૂષ તથા પ્રથમ નાયબ વડાપ્રધાન સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પ્રતિમા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચરણ સ્પર્શ કરીને પુજા કરી હતી. આજે ગાંધીનગરથી સવારે 6.30 કલાકે હેલીકોપ્ટર મારફત કેવડીયા કોલોની ખાતે આવી પહોંચેલા મોદીએ સીધા સરદાર પ્રતિમાને વંદન કરવા પહોંચ્યા હતા અને દેશની અખંડીતતાના આ શિલ્પીને નમન કર્યા હતા તથા પુષ્પાંજલી કરી હતી. બાદમાં મોદીએ અહી યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપી હતી તથા આજના દિને વડાપ્રધાન મેરા યુવા ભારત- પ્રોજેકટનું લોન્ચીંગ કર્યુ હતું તથા તેની ખાસ વેબસાઈટ પણ ખુલ્લી મુકી હતી. મેરા યુવા ભારત એક દેશવ્યાપી સંગઠન બનશે જે રાષ્ટ્રીય વિચારધારાને આગળ વધારશે. મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસન માટે મહત્વના પાંચ પ્રોજેકટનું પણ લોકાર્પણ કરશે તેમજ પ્રવૃતિના સંરક્ષણ સાથે એકતાનગરના વિકાસકામોને પણ તેઓ વેગ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકાર્પણને પણ પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે. તેના ઉપલક્ષ પરેડમાં પાંચ રાજયોની પોલીસ તથા અર્ધલશ્કરીદળોના જવાનોની એકતા માર્ચને મોદીએ શપથ લેવરાવ્યા હતા તથા દેશની એકતા અખંડીતતા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મોદી બાદમાં અહી તૈયાર કરાયેલા લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સમાન મંચ પરથી સંબોધન કર્યુ છે. કચ્છમાં પાક સરહદની સૌથી નજીક લખપતના આ કિલ્લા ખાતે દર વર્ષે નિયમીત ધ્વજવંદન કરાય છે તેની પ્રતિકૃતિ આજે એકતાનગરમાં ખાસ રચવામાં આવી હતી. આજે દેશભરમાં સરદાર પટેલની 148મી જન્મજયંતિ મનાવાઈ રહી છે. શ્રી મોદી અહી બપોર બાદ વિવિધ સુવિધા- વિકાસ કામોના લોકાર્પણ બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. બાદમાં તેઓ બપોરે ગાંધીનગર પરત આવી દિલ્હી જવા રવાના થશે.