જામનગરના મોરકંડા રોડ પર રહેતા વૃદ્ધ જીમ્બાબ્વેથી પરત જામનગર આવ્યા બાદ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હતાં. ત્યારબાદ તેના પત્ની અને સાળાનો ઓમીક્રોન વેરિયન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની સારવાર પછી ત્રણેયના કોવિડ આરટીપી સીઆર રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેયને રજા આપી દેવામાં આવી છે.
રાજ્યના પ્રથમ ઓમીક્રોન વેરિયન્ટનો કેસ જામનગરમાં મોરકંડા રોડ પર રહેતાં વૃદ્ધ ઝીમ્બાવેથી પરત આવ્યા બાદ તેમનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમના પત્ની અને સાળા સહિતના સંપર્કમાં આવેલા સાત બાળકોના પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. જે પૈકીના ઓમીક્રોન પોઝિટિવ દર્દીના પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સાત બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહત અનુભવી હતી. ત્રણેયને ડેન્ટલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં શરૂ કરાયેલા નવા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને જી.જી. હોસ્પિટલના તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી, અને બે સપ્તાહની સારવાર પછી અંતે ત્રણેય દર્દીઓના આરટીપીસીઆર રી સેમ્પલ કરાયા હતા અને પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આખરે આજે સવારે ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું ડીન ડો. નંદીનીબેન દેસાઈ દ્વારા જણાવાયું હતું.
તેમજ નવો શરૂ કરાયેલો વોર્ડ ખાલીખમ થઈ ગયો છે. જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત મહાનગર પાલિકાના તંત્ર દ્વારા પણ મોરકંડા રોડ પર સીટી લાઈટ સોસાયટી વિસ્તારના ક્ધટેઇન્ટમેન્ટ ઝોનને મુક્તિ આપવામાં આવી છે. જામનગરના ત્રણેય નવા વાયરસ ઓમીક્રોન વેરિએન્ટના દર્દીઓ કોરોના મુક્ત થવાથી રાહત અનુભવાઈ હતી.