જામનગર રેવન્યુ બાર એસોસિએટ્સ દ્વારા દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા ગરવી 2.0 સિસ્ટમથી ના કરવા માગણી કરવામાં આવી છે. તાજેતરમાં તા. 14ના રોજ જિલ્લા કલેકટર કચેરીના મિટિંગ હોલ ખાતે આ ગરવી 2.0 હેઠળ દસ્તાવેજ કામગીરીની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર કોર્પોરેશન વિસ્તારની કચેરીઓમાં તા. 16થી ગરવી 2.0 હેઠળ દસ્તાવેજની કામગીરી શરુ થનાર હોય, જે અન્વયે તા. 14ના રોજ જિલ્લા કલેકટર કચેરીના મિટિં હોલ ખાતે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દસ્તાવેજ સાથે સંકળાયેલ વકીલો, બોન્ડ રાઇટરો, સ્ટેમ્પ વેન્ડરો તેમજ દસ્તાવેજ લખનાર, ઘડનાર ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ રેન્વયુ બાર એસો.ના પ્રમુખ કરણ વારોતરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. મિટિંગનું આયોજન સબ રજીસ્ટ્રાર આર.જી. રાઠોડ તથા જામનગર જિલ્લાના ગરવી 2.0ના કો-ઓર્ડિનેટર વિવેક ચાવડા અને ઓપરેટર જયદીપ નંદાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.
જામનગર રેવન્યુ બાર એસો. દ્વારા દસ્તાવેજોની નવી સિસ્ટમથી નોંધણીને બંધ રાખવા માગણી કરવામાં આવી છે. નોંધણી નિરિક્ષકને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નવી સિસ્ટમ લાવવામાં કે, સંલગ્ન કામગીરીમાં વાંધો નથી પરંતુ વર્ષ 2000 પહેલા મેન્યુઅલી દસ્તાવેજોની કામગીરી સરળ બની હતી. ત્યારબાદ 2005થી દસ્તાજોની નોંધણી કોમ્પ્યુટર સિસ્ટમથી કરવામાં આવી છે. જેને આટલા વર્ષો થઇ ગયા હોવા છતાં સર્વર અવાર-નવાર ડાઉન થવું, બીએસએનએલના વાયરો કપાઇ જવાથી જી-સ્વાન કનેકટિવી ન હોવી સહિતની સમસ્યાઓ સર્જાઇ છે. કોમ્પ્યુટર બંધ હોય, અરજદાર તેમજ તેમના વકીલોને કલાકો સુધી દસ્તાવેજોની કામગીરીમાં સમય કાઢવો પડે છે.
તેમજ ગરવી 2.0ની અમલવારી કરતાં પૂર્વે પ્રવર્તમાન જંત્રીના ભાવો જંત્રીમાં હોવા જોઇએ. જે ભાવો કોઇપણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટરમાં અપલોડ થયા નથી. જો નોંધણીની નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલા સમગ્ર વિસ્તાર કે, સબ રજીસ્ટ્રાર કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં વિસ્તારના સર્વે નંબરોના ભાવો વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં ઓનલાઇન બતાવે તો જ પક્ષકાર, એડવોકેટ, ગરવી 2.0 અંતર્ગત કામગીરી કરવા ટેવાઇ. આમ, વિવિધ મુદ્ાઓને લઇ ગરવી 2.0ની સિસ્ટમ ટેકનિકલ કારણોસર રાજ્યમાં અમલવારી કરવા સામે રેવન્યુ બાર એસો. જામનગર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.