ફરી એક વખત હાઇકોર્ટની ફટકાર બાદ જ રાજય સરકાર જાગી છે. રાજયમાં કોરોનાની બેકાબુ સ્થિતિ જોઇને લાલઘુમ થયેલી હાઇકોર્ટે ગઇકાલે રાજય સરકારને અનેક ખરી ખોટી સંભળાવ્યા બાદ મોડી સાંજે હરકતમાં આવેલાં સરકારના મુખિયા એવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલાક કડક પગલાંની જાહેરાત કરી હતી. શું હાઇકોર્ટની ટકોર બાદ જ નિર્ણય લેવાની રાજય સરકારને ટેવ પડી ગઇ છે કે પછી સરકાર આની પાછળ મોટું રાજકારણ રમી રહી છે ? તેવો પ્રશ્ર્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે. ગઇ મોડી સાંજે મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી ગાઇડલાઇન મુજબ ગુજરાતના તમામ વિસ્તારોની ખાનગી ઑફિસોમાં પણ એક સમયે 50 ટકાથી વધુ કર્મચારીઓ હાજર રહી શકશે નહિ. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઑફિસોએ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે. બીજીતરફ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને આજે અનુરોધ કર્યો હતો. આ સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોના જાહેરમાં એકત્રિત થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે તેમ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું.
ગુજરાત સરકારે 12મી એપ્રિલે મોડી સાંજે બહાર પાડેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈપણ કારણોસર 50થી વધુ જણ એકત્રિત થઈ શકશે નહિ. 14મી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં પણ 50થી વધારે વ્યક્તિને એકત્રિત કરી શકાશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
એપ્રિલ અને મે મહિના દરમિયાન આવતા દરેક તહેરોવો જાહેરમાં ઉજવી શકાશે નહિ. આ માટે લોકો જાહેરમાં એકત્રિત થઈ શકશે નહિ. તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ ઘરમાં જ ઉજવવાના રહેશે. ગુજરાતના તમામ ધાર્મિક સ્થાનકોને 30મી એપ્રિલ 2021 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનકો ખાતે દૈનિક પૂજા-વિધી ધાર્મિક સ્તાનોના સંચાલકો, પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે જ કરવાની રહેશે. શ્રદ્ધાળુઓ પણ ધાર્મિક સ્થાનકોમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જાય તે માટે વિનંતી કરવામાં આવી છે.
ગઇ મોડી સાંજે ફેસબુક પર લાઈવ રજૂઆત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસો માં કર્મચારીઓની હાજરી 50 ટકા જ રાખવાની રહેશે. દરેકે એકાંતરે કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાના રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ.
આ સાથે જ દરેક નાગરિકને કોવિડ-19 સંબંધી માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.તેમણે કહ્યું હતું કે સરકારે ઓક્સિજનના પુરવઠામાં પણ અવરોધ ન આવે તે માટે પગલાં લીધા છેે. રાજ્યમાં ઓક્સિજનના થતાં કુલ ઉત્પાદનમાંથી 70 ટકા ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે અનામત રખાવ્યો છે.