જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા એક યુવાન પર પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને પાડોશમાં જ રહેતા એક શખ્સે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ નજીક ખડખડનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા અમીરભાઈ અલારખાભાઈ નામના 31 વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ફિરોજ ઓસમાણભાઈ પઠાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન આરોપી પાસે પૈસા માગતો હતો, તે પૈસાની ઉઘરાણી કરવા જતાં આરોપીએ પૈસા આપવાનો ઇનકાર કરી દઈ, ફરીથી પૈસા માંગશે તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપ્યાની અને પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.