કોરોના મહામારીનો પ્રકોપ હજુ યથાવત છે ત્યારે કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે જે મુજબ વિદેશથી આવતા તમામ મુસાફરોએ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ રજૂ કરવો પડશે. આ રિપોર્ટ ટ્રાવેલના 72 કલાક પૂર્વે કરાવેલો હોવો જોઈએ. ગાઈડલાઈન મુજબ તમામ મુસાફરોએ આ રિપોર્ટની પ્રામાણિકતાને લઈને પણ ઘોષણાપત્ર પણ જમા કરાવવું પડશે. કેન્દ્રે બુધવારે જણાવ્યું હતું ભારત સાથે પરસ્પર કરાર ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ કોરોના વેક્સિનના બે ડોઝી લીધા હશે તેમને એરપોર્ટ છોડવાની મંજૂર આપવામાં આવશે પરંતુ તેમણે 25 ઓક્ટોબરથી હોમ ક્વોરન્ટાઈન થવું પડશે તેમજ પોતાનું પરીક્ષણ પણ કરાવવું પડશે.
જો કોઈ મુસાફરે વેક્સિનનો એક ડોઝ લીધઓ હશે તો તેણે એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ કોવિડ-19 માટેનો જરૂરી ટેસ્ટ કરાવવા સેમ્પલ આપવાનું રહેશે. આવા મુસાફરોને સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને આઠમાં દિવસે ફરીથી ટેસ્ટ કરાવવો પડશે જે નેગેટિવ આવ્યો હોવાનો પુરાવો આપવાનો રહેશે. એક સપ્તાહ સુધી વિદેશથી આવેલા મુસાફરોએ પોતાના આરોગ્યની સ્વ-ચકાસણી કરવાની રહેશે. સરકારે આ માટે એ દેશોની યાદી જાહેર કરી છે જ્યાંથી ભારત આવતા મુસાફરોને જરૂરી નિયમોનું પાલન કરવું પડશે.
આ યાદીમાં યુરોપના દેશો, યુનાઈટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ દેશોને સંભવિત જોખમ ધરાવતા દેશોની યાદીમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોનાના ડેલ્ડ વેરિએન્ટના મ્યુટેશન વર્ઝને હાહાકાર મચાવ્યો છે. 11 ઓક્ટોબર પછી ત્યાં દૈનિક 40 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. બ્રિટનમાં અડધાથી વધુ વસતિનું કોરોના રસીકરણ થઈ ગયું છે તેમ છતા આ સ્થિતિ છે. બ્રિટનમાં હવે બૂસ્ટર ડોઝ પણ લગાવવાના શરૂ થઈ ગયા છે.