ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા નજીક રાજકોટ ધોરીમાર્ગ પર મોરબીથી જામનગર તરફ જતી એસટી બસની આગળ જતા ટ્રક ચાલકે એકાએક બ્રેક મારતા બસ ટ્રક સાથે અથડાતા ક્ધડકટર અને મુસાફરો સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા નજીક પરથી પસાર થતા જીજે-18-ટીએકસ-3725 નંબરના ટ્રકના ચાલકનો જીએસટીની ટીમ પીછો કરતી હતી જેથી ટ્રકચાલકે એકાએક બ્રેક મારતા પાછળથી મોરબીથી આવી રહેલી જામનગર જતી જીજે-18-ઝેડ-9260 નંબરની એસટી બસ ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર કંડકટર અને અન્ય મુસાફરો સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હમીરભાઈ સંધિયા નામના એસટી બસના ચાલકના નિવેદનના હેકો કે બી કામરીયા તથા સ્ટાફે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.