હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરીના પગલાં માટે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની ટીમ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. જેના પગલે દ્વારકા જિલ્લામાં પણ એક ટીમ સજ્જ છે. ટીમનો રાવલ ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે. એન.ડી.આર. એફ.ની ટીમના ઇન્સપેક્ટર સંજય યાદવે જણાવ્યું કે, ભારે વરસાદની ચેતવણીના પગલે સરકાર દ્વારા એક ટીમ દેવભૂમિ દ્વારકા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. અમારી ટીમમાં અમે 24 લોકો છીએ. હાલમાં અહીં કોઈ આપદા સર્જાઈ નથી. અને આવનારા દિવસોમાં પણ વરસાદના પગલે અહીં કોઈ મુશ્કેલી ના સર્જાઈ તેમજ કોઈ જાનહાની ના થાય તે માટે અમારી ટીમ સજ્જ છે. વધુમાં ઇન્સપેક્ટર યાદવે જણાવ્યું કે, અમે બચાવ કામગીરીના તેમજ મેડિકલ ઇમરજન્સી સર્જાઈ તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના તમામ સાધનો સાથે લાવ્યા છીએ. અમારી ટીમ પણ તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સતત પ્રેક્ટિસ કરતી હોય છે. અમે લોકોએ તમામ વિસ્તારનો સર્વે કરી લીધો છે. અને હાલમાં નદીઓમાં પાણીનું સ્તર એટલું ઊંચું નહિ જતા કોઈ મુશ્કેલી નથી. જો કે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. વરસાદના પગલે કોઈ આપત્તિ સર્જાઈ તો એનડીઆરએફ ની ટીમ તેમની મદદ કરવા માટે ઉપલબ્ધ છે.