આઈ સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરી. ટ્રસ્ટ તથા સોનલ નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત વેશભૂષા સાથે ચારણબાળાઓ વિવિધ રાસ ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે. જામનગમાં પ્રાચિન-અર્વાચિન ગરબીઓમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર શહેરમાં ફીઝીયોથેરાપી કોલેજમાં પણ દાંડિયા-રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં સોનલ મંદિર 49 દિગ્વીજય પ્લોટના છેડે ઉદ્યોગનગરમાં છેલ્લાં 30 વર્ષથી આઈ સોનલ માઁ શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સોનલ નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તા.23 ઓકટોબર સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારણ યુવાનો દ્વારા મણિયારો રાસ તેમજ ચારણ બાળાઓ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે રજૂ થતા ત્રિશુલ રાસ સહિતના વિવિધ રાસે ભારે આકર્ષણ જણાવ્યું છે. લોકો બહોળીસંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ રાસ નિહાળે છે. ઢોલના તાલે તથા શરણાઈના શૂરે ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો દ્વારા માતાજીના પ્રાચિન ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે. જેના તાલે બાળાઓ અને યુવકો વિવિધ રાસ ગરબા રજૂ કરે છે. જામનગરના નાગરિકોને નવરાત્રિના આ રાસ ગરબા નિહાળવા ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરાયો છે.
હાલમાં સૌથી લાંબો તહેવાર એવો માઁ આદ્યા શકિતની આરાધનાનું પર્વ નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શેરી-ગલ્લીઓમાં તથા ચોકમાં પ્રાચિન ગરબીઓ યોજાઈ રહી છે. તો બીજી તરફ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ અર્વાચિન નવરાત્રિ મહોત્સવમાં ઝૂમી રહ્યા છે. નવરાત્રિની શાળા-કોલેજો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ ફીઝીયોથેરાપી કોલેજમાં પણ દાંડિયા-રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફીઝીયોથેરાપી કોલેજની વિદ્યાર્થિનીઓ સહિતના દ્વારા રાસ ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. કોલેજના સ્ટુડન્ટોની સાથે-સાથે આદ્યાપકો પણ નવરાત્રિમાં જોડાઈ ઉજવણી કરી રહ્યા છે.