હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી: જામગઢકામાં મહિલાએ પાણીના બદલે ભૂલથી દવા પી લીધી : સારવાર દરમ્યાન મોત : પોલીસ દ્વારા કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા યુવાને રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. જામગઢકા ગામમાં રહેતી મહિલા ભૂલથી પાણીના બદલે ઝેરી દવા પી જતાં વિપરીત અસર થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેણીનું મોત નિપજયું હતું.
બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા જીગ્નેશભાઈ કારૂભાઈ ચુડાસમા નામના 30 વર્ષના યુવાને ગત તારીખ 24 મીના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર અનાજમાં નાખવાના ટીકડા ખાઈ જતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ મનીષભાઈ કારૂભાઈ ચુડાસમાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામે રહેતા કડવીબેન દેવશીભાઈ ડાભા નામના 40 વર્ષના મહિલાએ ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ પાણીના બદલે પાકમાં છાંટવાની દવાવાળા વાટકામાં ભૂલથી થોડી દવા સાથે પાણી પી જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ દ્વારકા પોલીસને કરવામાં આવી છે.