જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની અચાનક જ ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર વિશ્ર્વને આંચકો લાગ્યો છે. આબેના નિધન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, હું મારા સૌથી પ્રિય મિત્રોમાંથી એક શિંજો આબેના નિધનથી સ્તબ્ધ અને દુ:ખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, વહીવટકાર હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેમણે જાપાન અને દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. શિંજો આબે પ્રત્યે અમારા હૃદયમાં ખૂબ જ સન્માન છે. તેથી શનિવારે ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે. આબેએ ભારત અને જાપાનના સંબંધોને વિશેષ રણનીતિક અને વૈશ્ર્વિક ભાગીદારીના સ્તર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી જાપાનની સાથે ભારત પણ શોકમગ્ન છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ટોક્યોમાં આબે સાથેની તેમની છેલ્લી મુલાકાતની એક તસવીર શેર કરી હતી. ભારતની સાથે નેપાળે પણ આબેના માનમાં શનિવારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. ભારતમાં વડાપ્રધાન ઉપરાંત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ પણ આબેની હત્યા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. શિંજો આબે જાપાનના પહેલા વડાપ્રધાન છે, જે તેમના કાર્યકાળમાં સૌથી વધુ વખત ભારત આવ્યા હતા અને પ્રજાસત્તાક દિન સમારંભના મુખ્ય મહેમાન બન્યા હતા. વર્ષ 2021માં ભારત સરકારે દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણથી તેમનું સન્માન કર્યું હતું.