ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી જામનગર જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતમાં આજે નેશનલ લોક અદાલત યોજાઇ રહી છે. આ નેશનલ લોક અદાલતોમાં ત્રણ હજારથી વધુ કેસોનો સમાધાનથી નિકાલ થશે.
જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં આજ સવારથી નેશનલ લોક અદાલતનો પ્રારંભ થયો છે. જિલ્લા સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સીપાલ જજ મુલચંદ ત્યાગીના હસ્તે આ લોક અદાલતનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પ્રજ્ઞેશ સૂચકના જણાવ્યાનુસાર લોક અદાલતોમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસ, બેંક રિક્વરીના દાવા, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વિજળી પાણી-બીલના કેસ, કૌટુંબિક તકરાર, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના કેસ, રેવન્યૂ કેસ તેમજ અન્ય સિવિલ કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી નેગોશિયેબલ અને સર્વિસના કેસો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજની લોક અદાલત દરમિયાન તેમણે 3000થી વધુ કેસનો સમાધાનથી નિકાલ થવાની આ દર્શાવી હતી. સૂચકે જણાવ્યું હતું કે, લોક અદાલત પહેલાં તમામ કેસનો અગાઉ પ્રિવ્યૂ પણ કરવામાં આવ્યો હતો. સમાધાનથી કોઇની હાર કે જીત થતી નથી, પરંતુ કેસનો સુખરૂપ રીતે નિકાલ થાય છે.
લોક અદાલતના પ્રારંભે જ જામનગર સહિતની અદાલતોમાં સવારથી જ મોટી સંખ્યામાં પક્ષકારો અને તેમના વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત અદાલતના સિનિયર જજીસ તેમજ બાર એસોસિએશનના હોદ્ેદારો, સભ્યો, સરકારી વકીલો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.